- ઈકોકારમાં સુરેન્દ્રનગરનો પરિવાર લોકિકકાર્ય માટે દહેગામ જઈ રહ્યો હતો,
- અકસ્માતમાં ઈજાગ્રસ્ત 4 વ્યક્તિઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસોડાયા,
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા પાસે મોગલ ધામ નજીક વહેલી સવારે. ઈકો કાર પલટી ખાઈ જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ચાર અન્ય લોકો ઘાયલ થયા હતા. ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઈકોકાર પલટી ગઈ હતી.
અકસ્માતના આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા અને બાવળાની વચ્ચે ભાયલા ગામ પાસે પૂરફાટ ઝડપે જતી ઈકોકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પર પલટી ગઈ હતી. ઈકોકારમાં પ્રવાસ કરી રહેલા એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. જ્યારે ચાર પ્રવાસીઓને ઈજાઓ થતાં તેમને સારવાર માટે અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં મૃતક વ્યક્તિની ઓળખ યોગેશભાઈ (ઉં. વ.35 રહે. તલોદ) તરીકે થઇ છે. ઇકોમાં સવાર પરિવાર સુરેન્દ્રનગરના સરા ગામથી દહેગામ ખાતે એક લોકિક કાર્ય માટે જઈ રહ્યો હતો ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તમામ ઘાયલો હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


