
- લોકોએ ગાર્બેજ વાનના ચાલકને પકડીને પોલીસ હવાલે કર્યો,
- ઈજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા,
- પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના જમાલપુર વિસ્તારમાં આજે બન્યો હતો. આજે સવારે મ્યુનિની ડોર-ટુ-ડોર કચરો કલેક્શન કરતી ગાર્બેજવાને બે દ્વીચક્રી વાહનોને ટક્કર મારી હતી. જેમાં 50 વર્ષે આધેડને ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે બે લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને લીધે દોડી આવેલા લોકોએ ગાર્બેજવાનના ડ્રાઇવરને પકડી પાડ્યો હતો અને પોલીસને જાણ કરતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગાર્બેજ વાનનાચાલક રાહુલ પરમારની અટકાયત કરી હતી.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, આજે સવારના સમયે એએમસીની ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી ગાર્બેજ વાને બે ટુ-વ્હીલરને ટક્કર મારતા ટુ-વ્હીલર પર રહેલા વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. જેમાં મોહમ્મદભાઈ નામના 50 વર્ષના આધેડનું ગંભીર ઈજાના કારણેના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરી બે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા હતા. ગાર્બેજ વાનનો ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ હાજર સ્થાનિકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો.
આ ઘટનાની જાણ થતા ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત કરનારા ગાર્બેજ વાન ડ્રાઇવર રાહુલ પરમારની અટકાયત કરી છે અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી તેમના પરિજનોને આ વિશે જાણ કરવામાં આવી છે. ટ્રાફિક પીઆઇ વી. કે. દેસાઈએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 2 વ્યક્તિને ઇજા થઈ છે. પોલીસ હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત વ્યક્તિઓના નિવેદન નોંધ્યા હતા.