પાટણ, 13 એપ્રિલ 2026: One killed in head-on collision between car and tempo સમી-હારિજ હાઈવે પર આઈશ્રી હોટલ નજીક ઈકોકાર અને ટેમ્પો સામસામે ધડાકાભેર અથડાતા ઈકોકારમાં સવાર એક વ્યક્તિનું મોત નિપ્જયુ હતું. જ્યારે બે બાળકો સહિત ચાર પ્રવાસીઓને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવના સીસીટીવી કૂટેજ પણ વાયરલ થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતના બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, પાટણ જિલ્લાના સમી-હારીજ હાઈવે પર આઈશ્રી હોટલ સામે ઈક્કો કાર અને છોટા હાથી ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહનો પૂર ઝડપે સામસામે અથડાયા હતા.આ અકસ્માતમાં ઈકાકારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે બાળકો સહિત 4 લોકો ગંભીર રીતે ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.
આ અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સમી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ 3 વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે તાત્કાલિક પાટણની હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સમી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો. હાઈવે પર અકસ્માતને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ સમી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, વાહનોને હટાવી ટ્રાફિક સામાન્ય કરાવ્યો હતો અને આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.


