પાલનપુર, 6 ફેબ્રુઆરી 2026: બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ગુંદરી-પાંથાવાડા હાઈવે પર મોડી રાત્રે સર્જાયો હતો. ટ્રક પાછળ પૂરફાટ ઝડપે હોન્ડાસિટી કાર અથડાતા કારમાં સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, બનાસકાંઠાના પાંથાવાડા તરફથી ગુંદરી હાઈવે તરફ જઈ રહેલી હોન્ડા સિટી કાર આરખી નજીક મહાદેવ હોટલ પાસે આગળ જઈ રહેલા એક ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. કારમાં કુલ ચાર વ્યક્તિઓ સવાર હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઘાયલ થયેલા ત્રણ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતાં જ પાંથાવાડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


