
- બ્રિજ પસાર કરવામાં 1 કલાકનો સમય લાગતા લોકો અટવાયા,
- હાઈવે પર સુરતથી સૌરાષ્ટ્ર જતા ટ્રાફિકમાં વધારો,
- ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સૌરાષ્ટ્ર જવા બંને પુલ પૈકી એક ફરજિયાત પસાર કરવાની નોબત
અમદાવાદઃ દિવાળીના તહેવારોને લીધે હાઈવે પર વાહનોનો ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના હજારો નોકરીયાતો, હીરા ઉદ્યોગના કારીગરો તથા ઉદ્યોગપતિઓ તેમના માદરે વતન સૌરાષ્ટ્ર દિવાળી ઊજવવા જઈ રહ્યા છે. મધ્યગુજરાતથી સૌરાષ્ટ્ર જતા તમામ રોડ પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. આણંદ જિલ્લાના વાસદ મહી બ્રિજ, વાસદ ટોલનાકા તથા ઉમેટા બ્રિજ પર વાહનોના ભારે ટ્રાફિકને લીધે એક કિ.મી. લાંબો ટ્રાફિકજામ થયો હતો.
સુરતમાં રહેતા હજારો યુવકો તથા પરિવારોએ હાલ ખાનગી સહિત વિવિધ વાહનોમાં સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ પોતાના ઘેર જવા વાટ પકડી છે. પરિણામે એકાએક વાહનોની સંખ્યા વધી જતા આણંદ જિલ્લાના પ્રવેશવાના વાસદ અને ઉમેટાના મહી નદી ઉપરના બ્રિજ ઉપર ભારે ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે.
વાસદ ટોલનાકા ઉપર ટોલટેક્સ લેવાતો હોવાથી બેરિયરની કામગીરીને કારણે લાંબી લાઈનો જોવા મળી રહી છે. વાહનોની એક કિલોમીટર જેટલી લાંબી લાઈનો વહેલી સવારથી જ જોવા મળી રહી છે. જ્યારે ઉમેટા બ્રિજ જૂનો અને સાંકડો હોવાથી આંકડાઓ બાજુ તથા સિંધરોટ બાજુ પણ વાહનો ચાલકોને એક કલાક જેટલો સમય માત્ર બ્રિજ પસાર કરવામાં જ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગંભીરા બ્રિજ તૂટી જતા સુરત- પાદરા તરફના તમામ ટ્રાફિકને હાલ સૌરાષ્ટ્રમાં જવા માટે વાસદ અથવા ઉમેટા બ્રિજ ફરજિયાત પણે પસાર કરવો પડી રહ્યો છે. જેથી દિવાળીના દિવસોમાં જ બંને પુલ ઉપર ટ્રાફિકજામની સમસ્યાઓનો વાહનચાલકોને સામનો કરવો પડી રહ્યો છે.