1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનના તોપમારામાં એક મેજર શહીદ, આઇએએસ અધિકારી સહિત છનાં મોત
પાકિસ્તાનના તોપમારામાં એક મેજર શહીદ, આઇએએસ અધિકારી સહિત છનાં મોત

પાકિસ્તાનના તોપમારામાં એક મેજર શહીદ, આઇએએસ અધિકારી સહિત છનાં મોત

0
Social Share

શ્રીનગર : ભારતે પાકિસ્તાનના આતંકવાદ પર પ્રહાર કરવા ઓપરેશન સિંદૂર પાર પાડયું હતું, જેને કારણે પાકિસ્તાને સરહદે ભારે તોપમારો કર્યો હતો. શનિવારે પાકિસ્તાને જમ્મુના રાજૌરીમાં રહેણાંકી વિસ્તારોમાં કરાયેલા આ તોપમારામાં જમ્મુ કાશ્મીરના આઇએએસ અધિકારી એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર રાજકુમાર થાપાનું મોત નિપજ્યું હતું. પાકે. થાપાના ઘર પર મોર્ટાર શેલનો મારો ચલાવ્યો હતો. જેમાં થાપાના ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. પાક.ના આ ગોળીબાર અને મોર્ટાર શેલમારામાં આ અધિકારી ઉપરાંત સેનાના જેસીઓ સુબેદાર મેજર શહીદ થયા હતા જ્યારે વધુ પાંચ લોકોના મોત નિપજ્યા હતા.

પાકિસ્તાને શનિવારે પણ જમ્મુના રહેણાંકી વિસ્તારો પર બેફામ ગોળીબાર કર્યો હતો, જમ્મુ શહેરમાં વહેલી સવારે પાંચ વાગ્યે સાયરનો વાગી હતી, પાકિસ્તાન તરફથી આ વિસ્તારોમાં ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા હતા. જ્યારે સરહદી વિસ્તારોમાં બેફામ તોપમારો કર્યો હતો. સંરક્ષણ વિભાગના સુત્રોએ કહ્યું હતું કે પાક.ના આ મોર્ટાર શેલિંગમાં દરમિયાન રાજકુમાર થાપા અને તેમના સ્ટાફના બે સભ્યો ગંભીર રીતે ઘવાયા હતા, પાકે. છોડેલો એક મોર્ટાર શેલ તેમના ઘરે પડયો હતો જે ફૂટતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણેયને હોસ્પિટલ દાખલ કરાયા હતા જેમાં થાપાનું મોત નિપજ્યું હતું.

પૂંચમાં શનિવારે વહેલી સવારે પાકિસ્તાની સેનાએ શેલિંગ કર્યું હતું, એક મોર્ટાર શેલ પૂંચના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સેનાની પોસ્ટ પાસે ફૂટયો હતો જેમાં સુબેદાર મેજર પવન કુમાર શહીદ થઇ ગયા હતા. સુબેદાર મેજર પવન કુમાર બે મહિના બાદ નિવૃત્ત થવાના હતા, તેમના પિતા ગર્જસિંહ પંજાબ રેજિમેન્ટમાં સેવા આપી ચુક્યા છે. પવન કુમાર મૂળ હિમાચલ પ્રદેશના રહેવાસી હતા, પવન કુમારની શહાદત અને આઇએએસ અધિકારીના મોત બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા જમ્મુની મુલાકાતે પહોંચ્યા હતા, તેમણે જે પણ લોકો માર્યા ગયા છે તેમના ઘરોની મુલાકાત લીધી હતી. શનિવારના રાજોરીમાં થયેલા પાક.ના શેલિંગમાં માત્ર બે વર્ષની બાળકી આઇશા નૂર અને ૩૫ વર્ષીય મોહમ્મદ શોહીબનું પણ મોત નિપજ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code