- લગ્નની ખરીદી કરીને દંપત્તી બાઈક પર સવાર થઈને પરત ફરી રહ્યા હતા,
- અકસ્માતના બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા,
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
રાજકોટઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માત જિલ્લાના જસદણ તાલુકામાં કનેસરા ગામ નજીક સર્જાયો હતો. બે બાઈક સામસામે અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં જસદણના જામ રાજા વડલા ગામના રહેવાસી વિઠ્ઠલભાઈ ઘોડકિયાનું મોત થયું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, જસદણ તાલુકાના કનેસરા ગામ નજીક રોડ પર પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે અથડાયા હતા. જેમાં એક બાઈક પર સવાર દંપત્તી ખંડિત થયુ હતું. બાઈકચાલક મૃતક વિઠ્ઠલભાઈ ઘોડકિયા તેમના પત્ની સાથે જસદણ તરફથી આવી રહ્યા હતા. તેમના ભાણેજના લગ્ન હોવાથી પતિ-પત્ની ખરીદી કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદની કામગીરી શરૂ કરી હતી.
દુર્ઘટનાની જાણ થતાં ભાડલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડ્યો છે. PM થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો હતો. પોલીસે બે બાઈક વચ્ચે થયેલા આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.


