- 23 કામદારોને બચાવી લેવાયા,
- દરિયાની ભરતીના મોજામાં બોટ 5 સેકન્ડમાં પલટી,
- એક શ્રમિક લાપત્તા થતાં શોઘખોળ હાથ ધરાઈ
ભરૂચઃ જિલ્લાના જંબુસર નજીક દરિયામાં ભરતીના ઉંચા મોજામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ પલટી ગઈ હતી. જેમાં બોટના માલિકનું મોત નિપજ્યુ હતું. જ્યારે એક શ્રમિક લાપત્તા બન્યો હતો. જ્યારે 23 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે.
જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં બોટ માલિકનું મોત થયું છે, જ્યારે એક કામદાર લાપતા છે. તેમજ 23 કામદારોને બચાવી લેવામાં આવ્યાં છે. ભરતીનું પાણી વધી જતા 5 સેકન્ડમાં જ બોટ ઊંધી વળી ગઈ હતી. બોટ પલટી જતાં માલિક વચ્ચે દબાઈ ગયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ જંબુસરના આસરસા ગામે 25 જેટલા શ્રમિકો ભરેલી બોટ ભરતીના પાણીના લીધે પલટી ગઈ હતી. જેથી બોટના માલિકનું મોત થયું છે, જયારે એક શ્રમિક લાપતા બન્યો છે. શ્રમિકો બોટમાં બેસી રહ્યાં હતાં તે સમયે અચાનક ભરતીનું પાણી આવી જતાં બોટ એક તરફ નમી ગયા બાદ પલટી મારી ગઇ હતી. બોટનો માલિક વચ્ચે દબાઈ જતાં તેનું મોત થયું છે. બોટમાં સવાર અન્ય શ્રમિકો કિનારા પર આવી જતાં તેમનો બચાવ થયો છે જયારે એક શ્રમિક ખાડીના પાણીમાં લાપત્તા બની ગયો છે. દુર્ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પલટી ગયેલી બોટમાંથી 23 શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમને સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મરીન પોલીસના સૂત્રોના કહેવા મુજબ આ ઘટનામાં રોહિત મકવાણાનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ મળી છે. જ્યારે નરેશ રાઠોડ લાપતા હોવાની માહિતી મળી રહી છે. આ લોકો દરરોજ આસરસાથી સામેના કાંઠે ગાંધાર–મુલેર તરફ બોટ દ્વારા અવર જવર કરતા હતા.
ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ડી.કે. સ્વામી હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે બચાવ કામગીરી અને આગળની કાર્યવાહી અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


