
- વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીથી નહીં પણ વિષયને સમજી શકે તે માટે ઓપનબુક એકઝામ,
- ઓબીએ પદ્ધતિ અમલમાં મૂકવી કે નહીં તે અંગે સીબીએસઇ સ્કૂલોને વિકલ્પ મળશે,
- શૈક્ષણિક વર્ષ 2026-27થી અમલ, પાઠ્યપુસ્તક-મંજૂર રેફરન્સ મટિરિયલ લઇ જઇ શકશે
અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઈ) સંલગ્ન શાળાઓમાં વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી નહીં પણ વિષયને સમજી શકે તે માટે ધારણ -9માં પ્રાયોગિક ધારણે ઓપનબુક એક્ઝામ લેવા વિચારણા કરવામાં આવી રહી છે. નવા શૈક્ષણિક વર્ષ 2026-27થી CBSE ધોરણ-9માં OBA એટલે કે ઓપન બુક એસેસમેન્ટ શરૂ કરાશે. જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન પાઠ્યપુસ્તક અને મંજૂર રેફરન્સ મટેરિયલ લઈ જઈ શકશે અને પ્રશ્નોના જવાબ આપવા માટે તેને ખોલી પણ શકશે. આ પદ્ધતિ અમલમાં મૂકવી કે નહીં તે અંગે સ્કૂલોને વિકલ્પ આપવામાં આવશે. દર સત્રે ત્રણ પેપર-પેન એસેસમેન્ટ લેવાશે, જેમાં ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયો સામેલ કરાશે.
સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઈ)ની સ્કૂલોમાં પ્રાયોગિક ધારણે ધોરણ 9માં ઓપન બુક એક્ઝામ લેવામાં આવશે, જોકે આ પદ્ધતિ અમલમાં મૂકવી કે નહીં તે અંગે સ્કૂલોને વિકલ્પ આપવામાં આવશે. ધોરણ 9માં ઓપન બુક એક્ઝામને લીધે વિદ્યાર્થીઓ માત્ર ગોખણપટ્ટી નહીં કરે પરંતુ વિષયને સમજી શકશે અને શીખેલું જ્ઞાન રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે તે પણ શીખશે.જૂનમાં થયેલી ગવર્નિંગ મીટિંગમાં નક્કી થયું કે NCFSE-2023 મુજબ OBAથી વિદ્યાર્થીઓમાં ઊંચા સ્તરની વિચારશક્તિ વિકસાવવાનું લક્ષ્ય છે. શિક્ષણ શાસ્ત્રીઓનું માનવું છે કે, ઓપન બુક એક્ઝામથી વિદ્યાર્થીઓની ગોખણપટ્ટીની આદત દૂર થશે, સમજશક્તિ વિકસશે, તથા વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો તણાવ ઘટી આત્મવિશ્વાસ વધશે, વિષયની ઊંડાણપૂર્વક સમજ વધશે તેના લીધે સર્જનાત્મક અને વિશ્લેષણાત્મક વિચારશક્તિ વિકસશે શીખેલું જ્ઞાન રોજિંદા જીવનમાં લાગુ કરવાનો અનુભવ મળશે
સૂત્રોના કહેવા મુજબ ધોરણ-9 અને 10ના અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન સાથે ધોરણ-11 અને 12ના અંગ્રેજી, ગણિત અને બાયોલોજીમાં ઓપન બુક પરીક્ષા લેવાઈ હતી. એમાં વિદ્યાર્થીઓના માર્ક્સ 12%થી 47% વચ્ચે રહ્યા હતા. અમુક વિદ્યાર્થીઓને રેફરન્સ મટેરિયલ યોગ્ય રીતે વાપરવામાં તકલીફ પડી હતી, પરંતુ શિક્ષકોએ મત આપ્યો કે જો યોગ્ય નમૂના પ્રશ્નપત્રો આપવામાં આવે તો દરેકને સમાન તક મળશે. આ પગલાથી ગુણવત્તા જળવાઈ રહેશે અને વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ વિકસશે. (FILE PHOTO)