
અન્ય દેશો પણ GPS પર નહીં, પોતાના નેશનલ નૅવિગેશન સેટેલાઇટ સિસ્ટમ પર નિર્ભર બનવા લાગ્યા
આજકાલ આપણા દૈનિક જીવનમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) કેટલું જરૂરી છે, તે જણાવવાની જરૂર નથી. આપણે મેપ જોઈએ છીએ, ઊબર-ઓલા બુક કરીએ છીએ, હવામાન જાણીએ છીએ આ બધુ જ GPSની મદદથી શક્ય બને છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાના દરેક ખૂણામાં માત્ર એક જ નહીં, પરંતુ અનેક અલગ સેટેલાઇટ સિસ્ટમ કામ કરે છે? અને દરેક દેશ પોતાની સિસ્ટમ કેમ બનાવે છે?
- નૅવિગેશન સેટેલાઇટ સિસ્ટમ શું છે?
નૅવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, જેને GNSS (Global Navigation Satellite System) કહેવામાં આવે છે, સેટેલાઇટ્સનું નેટવર્ક છે. આ સેટેલાઇટ્સ સતત તેમની સ્થાન અને સમયની માહિતી ધરતી પર મોકલતા રહે છે. આપણા ફોન અથવા કારમાં લગેલા રિસીવર આ સિગ્નલ્સને પકડીને ઓછામાં ઓછા ચાર સેટેલાઇટ્સની મદદથી આપણી ચોક્કસ સ્થાન માહિતી આપે છે.
- દુનિયાના મુખ્ય GNSS સિસ્ટમ
GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ): આ સૌથી જૂની અને વધુમાં વધુ વપરાતી સિસ્ટમ છે, જે અમેરિકા પાસે છે. આ સેટેલાઇટ્સ લગભગ 20,200 કિમી ઊંચાઈ પર ફરતી હોય છે અને સ્માર્ટફોન, કાર અને અન્ય ડિવાઇસમાં સૌથી વધુ વપરાય છે.
GLONASS (ગ્લોબલ નૅવિગેશન સેટેલાઇટ સિસ્ટમ) : રશિયાની પોતાની સેટેલાઇટ આધારિત નૅવિગેશન સિસ્ટમ છે, જેને 1980ના દાયકામાં વિકસાવવામાં આવી હતી. તેમાં પણ લગભગ 24 સેટેલાઇટ્સ છે અને કેટલીક જગ્યાએ GPS કરતાં વધુ ચોક્કસ કામ કરે છે.
Galileo (ગેલીલિયો) : યુરોપિયન યુનિયન દ્વારા GPS અને GLONASS પર નિર્ભરતા ઓછા કરવા માટે બનાવવામાં આવ્યું. Galileo ખાસ કરીને તેની પબ્લિક સર્વિસ અને ઉચ્ચ સચોટતા માટે પ્રખ્યાત છે. તેમાં 28 થી વધુ સેટેલાઇટ્સ છે.
BeiDou (બીડૂ): ચીનનું નૅવિગેશન સિસ્ટમ છે, જે અગાઉ માત્ર સ્થાનિક વિસ્તાર માટે હતું પરંતુ હવે વિશ્વભરમાં કાર્ય કરે છે. તેમાં 35 થી વધુ સેટેલાઇટ્સ છે. આ સિસ્ટમ ચીની રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
NavIC (નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન): ISRO દ્વારા ભારતમાં અને આસપાસના વિસ્તારો માટે બનાવવામાં આવ્યું. તેમાં 7 સેટેલાઇટ્સ છે. NavIC GPS કરતાં વધારે ચોક્કસ માહિતી આપી શકે છે અને ભારતમાં તેની શરૂઆત 2013માં કરવામાં આવી.
QZSS (ક્વાસી-જેનિથ સેટેલાઇટ સિસ્ટમ): જાપાન અને એશિયા-પેસિફિક માટેની પ્રદેશીય સિસ્ટમ QZSS GPS સાથે મળીને કામ કરે છે અને ખાસ કરીને એવી જગ્યાઓમાં જ્યાં GPS સિગ્નલ નબળા હોય ત્યાં પણ સચોટતા વધારી શકે છે.
હવે દેશો પોતાની રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક અને ટેક્નોલોજીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોતાની નૅવિગેશન સેટેલાઇટ સિસ્ટમ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેથી વૈશ્વિક GPS પરની નિર્ભરતા ઘટે.