1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશના પ્રત્યેક યુવાનમાં સૈનિકભાવ પ્રગટે તો આપણું રાષ્ટ્ર વધુ સમર્થ બને : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
દેશના પ્રત્યેક યુવાનમાં સૈનિકભાવ પ્રગટે તો આપણું રાષ્ટ્ર વધુ સમર્થ બને : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

દેશના પ્રત્યેક યુવાનમાં સૈનિકભાવ પ્રગટે તો આપણું રાષ્ટ્ર વધુ સમર્થ બને : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

0
Social Share

ગાંધીનગરઃ દેશના પ્રત્યેક યુવાનમાં સૈનિકભાવ પ્રગટે તો આપણું રાષ્ટ્ર વધુ સમર્થ બને. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં એન.સી.સી. – નેશનલ કેડેટ કૉરના તેજસ્વી કેડેટ્સના સન્માનમાં યોજાયેલા ‘એટ હૉમ’ કાર્યક્રમમાં કહ્યું હતું કે, એન.સી.સી.થી યુવાનોમાં અનુશાસન, દેશભક્તિનો ભાવ, સેવાભાવ અને રાષ્ટ્ર પતિ સમર્પણનો ભાવ પ્રગટે છે. યુવાનો જવાબદાર નાગરિક બને છે. આજે દેશને એન.સી.સી.ની વિશેષ જરૂર છે.

પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ગુજરાત. દાદરા-નગર હવેલી, દમણ અને દિવના એન.સી.સી. કેડેટ્સના સન્માનમાં રાજભવનમાં આજે ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી જી, ગુજરાતના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસશેરિયા, અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર, એનસીસીના અધિક મહાનિદેશક મેજર જનરલ રાય સિંહ ગોદારા અને રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના લગભગ 75,000 એન.સી.સી. કેડેટ્સમાંથી રિપબ્લિક ડે પરેડ માટે 124 કેડેટ્સ પસંદ કરાયા હતા. આ 124 યુવાન કેડેટ્સે નવી દિલ્હીમાં રિપબ્લિક ડે પરેડ કેમ્પમાં એક મહિના દરમિયાન સઘન પ્રશિક્ષણ મેળવ્યું હતું. યુવા એન.સી.સી. કેડેટ્સને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, એન.સી.સી.ના દીકરા-દીકરીઓ અન્ય વિદ્યાર્થીઓ કરતાં અલગ હોય છે, તેમનું સ્વયં શિસ્ત, દેશભક્તિની ભાવના, દરેક વ્યક્તિ પ્રતિ આદરભાવ, સહયોગની ભાવના, એકતા અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ તેમને આદર્શ અને જવાબદાર નાગરિક બનાવે છે. જે આવનારા સમયમાં રાષ્ટ્ર માટે મજબૂત સહયોગી બનશે.

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ એન.સી.સી. કેડેટ રહી ચૂક્યા છે, એટલે જ પ્રધાનમંત્રીએ એન.સી.સી.ને દેશના ગામડાઓ સુધી લઈ જવાનું નક્કી કર્યું છે. વધુને વધુ દીકરા-દીકરીઓએ એન.સી.સી.માં જોડાવું જોઈએ. એન.સી.સી. અહેસાસ કરાવે છે કે, જે દેશમાં આપણે જન્મ્યા, જે સમાજ અને પરિવારમાં આપણે જન્મ્યા તેમના પ્રત્યેની આપણી જવાબદારીઓને સારી રીતે નિભાવવી જોઈએ.

એન.સી.સી.ના કેડેટ્સની કામગીરીની પ્રશંસા કરતાં રાજયપાલએ જણાવ્યું કે, કોરોના સમયે એન.સી.સી.ના દીકરા-દીકરીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની ફરજો બજાવીને લોકોની સેવામાં મોટું યોગદાન આપ્યું હતું. એન.સી.સી. કેડેટસ વૃક્ષારોપણમાં ખૂબ મોટો ફાળો આપી રહ્યા છે. સ્વચ્છતા અભિયાન, રક્તદાન શિબિર જેવા કાર્યો થકી તેઓ સામાજિક જવાબદારીઓ નિભાવે છે. જે દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયી છે.

124 કેડેટ્સે પોતાની પ્રતિભા દર્શાવીને, પસંદગી મેળવીને દિલ્હી જઈને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને રાજ્યનું સન્માન વધારીને દેશનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે તેમ કહીને રાજયપાલશ્રીએ સૌ કેડેટ્સ અને એન.સી.સી.ના અધિકારીઓને શુભકામનાઓ પાઠવી હતી.

એન.સી.સી. ગુજરાત, દાદરા-નગર હવેલી, દિવ અને દમણના અધિક મહાનિદેશક મેજર જનરલ રાય સિંહ ગોદારાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, એન.સી.સી. રાજ્ય અને રાષ્ટ્રની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતામાં સફળ થવા માટે એન.સી.સી. પાસે દ્રઢ ઈચ્છાશક્તિ દ્રષ્ટિકોણ અને જુસ્સો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code