
એશિયા કપમાં ભારતની જીતથી ઉશ્કેરાટમાં પાકિસ્તાન, મોદીએ ટીમ ઈન્ડિયાને પાઠવી શુભકામના
નવી દિલ્હીઃ એશિયા કપ 2025માં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત પછી પડોશી દેશ પાકિસ્તાનમાં તિલમિલાટ જોવા મળી રહ્યો છે. ભારતીય નેતાઓ પણ પાકિસ્તાન પર ટિપ્પણી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કિરણ રિજિજુ પછી હવે ખેલમંત્રી મનસુખ મંડાવિયાએ પણ પાકિસ્તાનને લઈને સોશિયલ મીડિયા પોસ્ટ કર્યું છે. મંડાવિયાએ એક્સ પર લખ્યું કે, “સરહદ પર પણ હરાવ્યા, મેદાન પર પણ હરાવ્યા.”
વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, “રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર, પરિણામ એ જ… ભારત જીત્યું. અમારા ક્રિકેટરોને હાર્દિક અભિનંદન.” કિરણ રિજિજુએ પણ હારિસ રઊફ અને જસપ્રીત બુમરાહની તસવીર શેર કરતાં લખ્યું કે “પાકિસ્તાન આવું જ સજા લાયક છે.” આ તસવીરમાં બુમરાહ વિમાન તૂટવાનું ઇશારો કરતા દેખાતો હતો, જ્યારે હારિસ રઊફ ક્લીન બોલ્ડ થયો હતો. અગાઉના મુકાબલામાં હારિસ રઊફે ભારતીય ચાહકો સામે વિમાન તૂટવાનું ઇશારો કર્યો હતો, જેના જવાબમાં બુમરાહે તેમને ચીડવતા આ સંકેત આપ્યો હતો.
ભારતની જીત પછી વડાપ્રધાન મોદીના સંદેશમાં “ઓપરેશન સિંદૂર”નો ઉલ્લેખ થતાં પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફ ગુસ્સે થઈ ગયા હતા. આસિફે આરોપ લગાવ્યો કે, મોદી ક્રિકેટને રાજકારણ સાથે જોડીને દક્ષિણ એશિયામાં શાંતિની સંભાવનાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે એક્સ પર લખ્યું કે, “ક્રિકેટની સંસ્કૃતિ અને ભાવનાને નષ્ટ કરીને મોદી પોતાની રાજનીતિ બચાવવા માંગે છે. આ રીતે શાંતિ અને સન્માન સ્થપાઈ શકતું નથી.”
એશિયા કપ 2025ની શરૂઆતથી જ વિવાદોમાં રહ્યો હતો. ભારતને ટુર્નામેન્ટની હોસ્ટિંગ મળતાં પાકિસ્તાને અહીં રમવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ મેચો યુનાઇટેડ આરબ અમીરાતમાં યોજાઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાયા હતા અને દરેક વખત ભારતે પાકિસ્તાનને પરાજિત કર્યું હતું. ખાસ વાત એ રહી કે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો.
ફાઇનલ જીત્યા બાદ ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નકવીએ અન્ય કોઈ અધિકારી દ્વારા ટ્રોફી આપવા બદલે તેને પોતાના સાથે રાખવાનું પસંદ કર્યું. આ મુદ્દે બીસીસીઆઈએ આઈસીસીમાં ફરિયાદ નોંધાવી છે.