
પેટ કમિન્સ ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની સીમિત ઓવરોની સિરીઝમાંથી બહાર, એશિઝ માટે કરશે તૈયારી
સિડનીઃ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ મંગળવારે સવારે જાહેરાત કરી કે તેમના ટેસ્ટ અને વનડે કપ્તાન પેટ કમિન્સ ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની આવનારી સીમિત ઓવરોની સિરીઝમાં ભાગ નહીં લે. બોર્ડે આ નિર્ણયનું કારણ તેમના સંપૂર્ણ ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આપ્યું છે, જેથી તેઓ આગામી એશિઝ સિરીઝ માટે તૈયાર થઈ શકે. બોર્ડના સત્તાવાર નિવેદન મુજબ, “કમિન્સને ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની આવનારી સીમિત ઓવરોની સિરીઝ માટે પસંદગીમાં સામેલ કરવામાં નહીં આવે. તેઓ તેમની રિહેબિલિટેશન યોજના પર ધ્યાન આપશે અને બોલિંગમાં વાપસીનો સમય એશિઝની તૈયારીને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે.”
કમિન્સની ટીમમાં ગેરહાજરી ઑસ્ટ્રેલિયા માટે મોટો ઝટકો બની શકે છે. તાજેતરમાં કરાયેલા સ્કેનમાં તેમની પીઠના નીચેના ભાગમાં હાડકાં પર તાણ (Stress) જોવા મળ્યો છે. જો કે તેને સ્ટ્રેસ ફ્રેક્ચર ગણાયું નથી, પરંતુ આ ઈજા ચિંતાજનક છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી વનડે અને T20માં તેમનો ફિઝિકલ લોડ ખૂબ વધી ગયો હતો. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ તેમને અગાઉ વેસ્ટઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝથી આરામ આપ્યો હતો. પરંતુ છેલ્લી ટેસ્ટ સિરીઝ બાદ પીઠનો દુખાવો ચાલુ રહ્યો અને હવે તેની ગંભીરતા સામે આવી છે.
એશિઝ સિરીઝની શરૂઆત 21 નવેમ્બર, 2025ના રોજ પર્થથી થવાની છે. પસંદગી સમિતિના પ્રમુખ જ્યોર્જ બેઇલીએ જણાવ્યું કે બોર્ડ કમિન્સની તૈયારી અંગે આશાવાદી છે, પરંતુ સ્પષ્ટ નથી કે તેઓ પ્રથમ ટેસ્ટ સુધી વાપસી કરી શકશે કે નહીં. કમિન્સની ગેરહાજરીમાં ભારતમાં સીમિત ઓવરોની કપ્તાની મિચેલ માર્શના હાથમાં હોવાની શક્યતા છે. જ્યારે ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ બેન ડ્વારશુઈસ, જોશ હેઝલવુડ અને શોન એબૉટ કરી શકે છે. આ ખેલાડીઓ પર ભારત અને ન્યૂઝીલેન્ડ જેવા મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે ઑસ્ટ્રેલિયાની લય જાળવવાની જવાબદારી રહેશે.
મીચેલ સ્ટાર્કે મંગળવારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, પરંતુ તેઓ ભારત સામેની ત્રણ વનડે મેચોમાં રમે તેવી શક્યતા છે. કમિન્સની ગેરહાજરી ભારત માટે મોટો ફાયદો સાબિત થઈ શકે છે, કારણ કે આ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે. ઑસ્ટ્રેલિયાના મુખ્ય ઝડપી બોલર વિના ભારતીય બેટ્સમેનનો મનોબળ ચોક્કસ વધશે. નિષ્ણાતોના મત મુજબ, એશિઝ પહેલાં ઑસ્ટ્રેલિયા કમિન્સ પર કોઈપણ પ્રકારનું જોખમ લેવા ઈચ્છતું નથી અને એ જ કારણ છે કે તેમને ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યા છે.