
- નોકરી ન અપાવતા હોવાનું કહી આરોપીએ કર્યો હુમલો,
- ધરમશીભાઈના મોતની જાણ થતાં રાજકીય આગોવાનો દોડી આવ્યા,
- આરોપી યુવાને પણ ઝેરી દવા પીધી
બોટાદઃ બરવાળા તાલુકાના ભીમનાથ ગામના રહિશ અને ધંધૂકાની આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટી એવા પાટિદાર અગ્રણી ધરમશી મોરડીયાની ભીમનાથ ગામના જ યુવકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘરઆંગણે જ હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ધરમશીભાઈ આ વિસ્તારનું મોટુમાથુ ગણાતા હોવાથી રાજકીય પક્ષોના અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા. આ હત્યા અંગે પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ, હત્યારો યુવક ‘તમે નોકરી ન અપાવી મારાં 3 વર્ષ બગાડ્યાં’ એમ બોલી રહ્યો હતો. એ દરમિયાન તેણે ઉશ્કેરાઈને જઈને ધરમશી મોરડીયા પર તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી તેમને રહેંસી નાખ્યા હતા. ત્યારબાદ આરોપીએ પણ ઝેરી દવા પી લેતાં હાલ તે સારવાર હેઠળ છે. ઘટનાને પગલે ધરમશીભાઈના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
બરવાળાના ભીમનાથ ગામે રહેતા ધરમશીભાઈ મોરડીયા (ઉં.વ.88)ની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. ધરમશીભાઈ ધંધૂકા આરએમએસ હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા. ધરમશીભાઈની તેમના ઘરઆંગણે જ ગામના જ શખસ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. હત્યારા આરોપીએ પણ ઝેરી દવા પી લેતાં હાલ તેને બોટાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે. આ બનાવની જાણ થતાં બરવાળા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હત્યા શું કામ કરવામાં આવી, શું કોઈ જૂની આદાવત છે એ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. બોટાદ જિલ્લા ભાજપ-પ્રમુખ મયૂરભાઈ મોરડીયા, ભાજપના સાંસદ રૂપાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા સહિતના આગેવાનો ભીમનાથ દોડી આવ્યા હતા,
ભીમનાથ ગામના ઉપસરપંચ અને હત્યાના પ્રત્યક્ષદર્શી એવા રાઠોડ મંગળસિંહએ જણાવ્યું હતું કે હું અને ધરમશીભાઈ ડેલા બહાર ઊભા હતા. ત્યારે કલ્પેશ સવજીભાઈ મેર આવ્યો અને બોલવા લાગ્યો હતો તે ભીમનાથનો જ રહેવાસી છે. ધરમશીકાકાના ઘરથી ત્રણ-ચાર ઘર બાદ જ તેનું ઘર છે. ધરમશીકાકાએ કહ્યું હતું કે ભાઈ તને શું છે, તું કેમ મારી સાથે આમ રાડો નાખે છે. તો કહેવા લાગ્યો, મારી નોકરીનું શું કર્યું, તમે એમ કહી બોલવા લાગ્યો. અને ધરમશીભાઈના માથામાં ઘા કર્યો. જેથી ધરમશીભાઈને માથામાં વાગ્યું અને તેઓ ત્યાં જ બેભાન થઈ નીચે પડી ગયા, જેથી મેં બધાને સાદ પાડીને બોલાવ્યા હતા. બાદ આરોપી ભાગી ગયો અને અમે ધરમશીભાઈને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.