
- થાનમાં 55 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવાયો છે
- છેલ્લા 8 વર્ષથી ધીમી ગતિએ ઓવરબ્રિજ બની રહ્યો હતો
- તૈયાર થયા બાદ મહિનાથી મહિનાઓથી લોકાર્પણની રાહ જોવાતી હતી,
સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનમાં છેલ્લા 8 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલતા ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયું હતું. ત્યારે ઓવરબ્રિજ લોકાર્પણની રાહ જોઈ રહ્યો હતો. પણ નેતાઓને સમય નહોતો અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા આચારસંહિતાને કારણે બ્રિજનો લોકાર્પણ સમારોહ યોજી શકાતો નહોતો. દરમિયાન લોકોની ધીરજ ખૂટતા લોકોએ રાહ જોયા વિના બ્રિજ ખોલી દીધો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ ધરાવતા થાનમાં ઓવરબ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલતા રહીશો, વાહનચાલકો, રાહદારીઓ સહિતના લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતા. આથી આ ધીમી ગતિથી ચાલતા કામને લઇને ખુદ કલેક્ટર સહિતના અધિકારીઓએ બ્રિજનું કામ ત્વરિત પૂર્ણ કરવા જરૂરી સુચના આપી હતી. અને તા. 26મી જાન્યુઆરીએ સોમવારે થાન ઓવરબ્રિજના લોકોર્પણ કરવાની તારીખ નક્કી કરવામાં આવી હતી.પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આચારસંહિતા નડી જતા બ્રિજનું લાકાર્પણનું કામ અટકી ગયું હતું, બીજી બાજુ 8 વર્ષના અંતે શહેરીજનોની ધીરજ ખૂટતા તા. 13-2-2025ને ગુરૂવારે સ્વૈચ્છિક રીતે અવરજવર કરીને પુલને ખૂલ્લો મૂકી દીધો હતો.
થાનગઢના ઓવરબ્રિજ ભૂગર્ભ, ગટર, રસ્તા સહિતના અનેક પ્રશ્નો બાબતે થાનગઢ સિરામિક દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત ઓવરબ્રિજની ગતિ ધીમી પડતા મોટી સંખ્યામાં લોકો પરેશાનની સામનો કરી રહ્યા હતા. ત્યારે જિલ્લા કલેક્ટર, ચોટીલા તાલુકા ટીડીઓ, થાન મામલતદાર, થાન ચીફ ઓફિસર સહિતના તમામ અધિકારીઓ દ્વારા 6-1-2025ના દિવસે રૂબરૂ મુલાકાત લીધી હતી. અને સૂચનાઓ આપીને કામ પૂર્ણ કરવાની સાથે તા. 26 જાન્યુઆરીએ ઓવરબ્રિજનું ઓપનિંગની તારીખ નક્કી કરાઇ હતી. પરંતુ આ દિવસે તો પુલનું ઓપનિંગ ન થયું. પરંતુ પુલનું કામ પૂર્ણ થતા 8 વર્ષે શહેરીજનોમાં ખૂટી હોય તેવો ઘાટ સર્જાયો હતો. બીજી તરફ પુલ તૈયાર થવા છતાં ચૂંટણી સહિતના કારણોને લીધે પુલનું ઓપનિંગ પણ થયું નહીં. આથી થાન શહેરની પ્રજાએ સ્વૈચ્છિક રીતે પુલ ઉપર અવરજવર કરીને તા. 13-2-2025ને ગુરૂવારે આ પુલને ખૂલ્લો મૂકી દીધો હતો. જેના કારણે આ પુલ પરથી રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકો અવરજવર કરતા પણ દેખાયા હતા.