- મહિલા પાલતુ કૂતરાને લઈને પાર્કિંગમાંથી જતી હતી,
- કૂતરાને જોઈને બાળકો ભાગતા પાછળ કૂતરાએ દોડ મુકી,
- એક બાળક નીચે પડી જતાં કૂતરાએ એના દાંત બેસાડી દીધા
અમદાવાદઃ શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં પાલતુ ડોગએ બાળકો પર હુમલો કર્યાનો બનાવ બન્યો છે. ન્યુ મણિનગર વિસ્તારામાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પેટ ડોગ જર્મન શેફર્ડે બે બાળક પર હુમલો કર્યો હતો. મહિલા પાલતુ કૂતરાને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી ત્યારે બાળક કૂતરાને જોઈને ભાગ્યાં હતાં. બાળકોને ભાગતાં જોઈને કૂતરાએ તેની પાછળ દોટ મૂકી હતી. એક બાળક નીચે પડી જતાં કૂતરાએ એના દાંત બેસાડી દીધા હતા. ઈજાગ્રસ્ત બંને બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના મ્યુ મણિનગર વિસ્તારમાં કર્ણાવતી રિવેરા ફ્લેટની પાસે આવેલા શરણમ એલિગન્સ નામના ફ્લેટના પાર્કિંગમાં પાપાબેન ઉર્ફે સંગીતાબેન વનિયર તેમના પાલતું કૂતરા જર્મન શેફર્ડને વોક કરાવવા નિકળ્યા હતા. જર્મન શેફર્ડ ડોગ જોઈને પાર્કિંગમાં રમતા બાળકો ભાગ્યા હતા. દરમિયાન મહિલાના હાથમાંથી છટકીને જર્મન શેફર્ડ ડોગ બાળકો પાછળ દોડ્યો હતો. ત્યારે છ વર્ષીય બાળક ગબડી પડતા જર્મન શેફર્ડ કૂતરાએ અચાનક જ તેના ઉપર હુમલો કરી દીધો હતો, અને સામાન્ય બચકું ભરી લીધું હતું. કૂતરાના હુમલાથી બાળકને દાંત બેસી ગયા હતા. બાળક ખૂબ જ ગભરાઈ ગયું હતું અને તેની માતાને જાણ કરી હતી. આ બાબતે બાળકના પિતાને જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક ઘરે આવી ગયા હતા. ત્યાર બાદ બાળકના પિતાને જાણવા મળ્યું હતું કે સોસાયટીમાં રહેતી અન્ય એક વ્યક્તિના બાળકને પણ આ કૂતરું કરડ્યું હતું, જેથી બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપવામાં આવી હતી. એક જ ફ્લેટમાં રહેતાં બે બાળકોને કૂતરું કરડવાની ઘટના બની હતી.
જર્મન શેફર્ડ કૂતરા દ્વારા એક બાળકને જમણા પગના સાથળના ભાગે અને એક બાળકને જમણી હાથની આંગળીઓ ઉપર બચકું ભરીને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા. પાપાબેન વનિયર નામની મહિલાએ માણસોની જિંદગી જોખમાય એ રીતે પોતાના પાલતું કૂતરા જર્મન શેફર્ડને લઈને પાર્કિંગમાં ફરી રહ્યાં હતાં. આ ઘટના બનતાં બાળકના પિતાએ રામોલ રામોલ સ્ટેશનમાં મામલે ફરિયાદ નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીયછે કે, શહેરના હાથીજણ વિસ્તારમાં 6 મહિના પહેલાં ચાર મહિનાની બાળકી પર રોટવીલર નામના પાલતું કૂતરાએ હુમલો કરતાં બાળકીનું મૃત્યુ થયું હતું.


