
અમરેલીમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થતા પાયલોટનું મોત
રાજકોટઃ અમરેલીના ગીરિયા રોડ પર શાસ્ત્રીનગરમાં આજે મંગળવારે ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થતા પાયલોટનું મોત નીપજ્યું હતું. પ્લેન ક્રેશ થવાની ઘટનાને લઈને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ આગ બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતા. જ્યારે દુર્ઘટનાની જાણ થતાની સાથે પોલીસ કાફલો અને 3 ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, અમરેલીના રહેણાંક વિસ્તારમાં વિઝન ફ્લાઈગ ટ્રેનિંગ ઇસ્ટિટ્યૂટ ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી હતી.
પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનિકેત મહાજન નામના પાયલોટનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટના મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘વિઝન ફ્લાઈગ ટ્રેનિંગ ઇસ્ટિટ્યૂટના પ્લેનમાં ટ્રેનિંગ લઈ રહેલા પાયલોટે ટ્રેનિંગે દરમિયાન ચાર વખતે પ્લેન લેન્ડ અને ટેકઓફ કર્યા હતા. જ્યારે પાંચમી વખતે ટેકઓફ કરતા સમયે કોઈ કારણોસર પ્લેન ક્રેશ થયું હતું. ઘટનાને પગલે ફાયર અને પોલીસની ટીમ દોડી પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.’