
- મુખ્યમંત્રીને પત્ર લખીને વસાહતી સંઘે કરી રજુઆત,
- 24 કલાક પાણી આપવાની યોજનાનું કામ બે વર્ષે પણ પુરૂ થયું નથી,
- પાણીના મીટરો પણ કાટ ખાઈ ગયા
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના શહેરીજનોને 24 કલાક પાણી પુવઠો મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ 24 કલાક પાણી આપવાની યોજનામાં 2 વર્ષે પણ કામ પુરૂ થયું નથી અને ઘરે ઘરે નાંખવામાં આવેલા મીટરો પણ લીક થઇને બગડી ગયા છે. યોજના હજુ પણ નજીકના ભવિષ્યમાં શરૂ થાય તેવી શક્યતા નહીં હોવાથી આ કામગીરી અટકાવી દઇને આ યોજનાને પડતી મૂકવા માટે ગાંધીનગર વસાહત મહાસંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.
ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી પુરતા પ્રમાણમાં પાણી નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. અને આ મામલે શહેરની સ્વૈચ્છિક સંસ્થાએ અગાઉ પણ ક્ષતિ અંગે ધ્યાન દોર્યું હોવા છતાં નિવારણ કરવામાં આવ્યું નથી ત્યારે શહેરમાં 24 કલાક પાણી આપવાની યોજના પણ ભવિષ્યમાં ફ્લોપ જવાની સંભાવના હોવાથી તેને અટકાવી દેવા માટે નાગરિકો અને શહેર વસાહત મહાસંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. 24 કલાક પાણી આપવાની યોજનામાં 2 વર્ષે પણ કામ પુરૂ થયું નથી અને ઘરે ઘરે નાંખવામાં આવેલા મીટરો પણ લીક થઇને બગડી ગયા છે. યોજના હજુ પણ નજીકના ભવિષ્યમાં શરૂ થાય તેવી શક્યતા નહીં હોવાથી આ કામગીરી અટકાવી દઇને આ યોજનાને પડતી મૂકવા રજૂઆત કરવામાં આવી છે.
શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા ગત વર્ષે સપ્ટેમ્બરમાં ટેકનિકલ વિગતો સાથે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો અને તે મામલે કાર્યવાહી કરવા સીએમ કાર્યાલય દ્વારા સંબંધિત તંત્રને સૂચના આપવામાં આવી હતી પરંતુ આ બાબતે કોઇ કાર્યવાહી થઇ નથી. કેટલાક વર્ષોથી ચોમાસા દરમિયાન શહેરમાં અપાતો પાણીનો પુરવઠો અપૂરતા દબાણથી મળે છે. પાણી ઘણુ ડહોળું આવતું હોવાથી આરોગ્ય માટે જોખમી બને છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સંસ્થા દ્વારા સતત પ્રયત્ન કરવા છતાં કોઇ કામગીરી થઇ નથી.