
- ગત માર્ચ મહિનામાં જુનાગઢથી સિંહ યુગલને ઈન્દ્રોડા પાર્ક લવાયું છે
- વન વિભાગે સિંહ યુગલનું વસંત અને સ્વાતિનું નામકરણ કર્યું,
- મંત્રી પાસે સમય ન હોવાથી સિંહ દર્શનનું લોકાર્પણ કરાતું નથી
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની શાન ગણાતા ઇન્દ્રોડા પાર્કમાં 5 મહિના પહેલા એટલે કે ગત માર્ચ મહિનામાં જૂનાગઢથી સિંહની જોડી લાવવામાં આવી હતી. પરંતુ ઈન્દ્રોડા પાર્કના મુલાકાતીઓને હજુ સુધી સિંહ દર્શન થયા નથી. વન વિભાગ દ્વારા સિંહની જોડીનું નામકરણ કરી પણ દેવામાં આવ્યુ છે, છતા મુલાકાતીઓને સિંહના દર્શન થતા નથી. કહેવાય છે કે, મંત્રી દ્વારા સમય ફાળવવામાં નહિ આવતા સિહ જોડીને ખુલ્લી મુકાતી નથી.
ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં વાઘ, અને દીપડા જોવા મળતા હતા. પરંતુ હાલમાં માત્ર 3 દીપડા જ ઓપનમોટ પ્રકારના પિંજરામાં જોવા મળી રહ્યા છે. વાઘનુ મોત થતા પાંજરુ ખાલી થઇ ગયુ છે, જ્યારે સિંહની જોડીને પાંચ મહિના પહેલા જુનાગઢના ઝૂમાંથી લાવવામાં આવી છે. 5 મહિનાના વસવાટમાં વનરાજોને પાટનગરનું વાતાવરણ પણ માફક આવી ગયું છે. પણ ઈન્દ્રાડો પાર્કમાં મુલાકાતીઓ સિંહના દર્શન કરી શકતા નથી.. જૂનાગઢના ઝુ માંથી લાવવામાં આવેલી સિંહ જોડીનુ નામકરણ કરી દેવામાં આવ્યુ છે, વસંત અને સ્વાતિ નામની જોડી હાલમાં પાંજરામાં જ ડણક બોલાવી રહી છે.
ઇન્દ્રોડા પાર્કમાં આવતા મુલાકાતીઓ સિંહને જોયા વિના જ પરત ફરતા નિરાશ થઇ રહ્યા છે. કહેવાય છે કે, સિંહ જોડી માત્રને માત્ર મંત્રીનો સમય નહિ મળવાના કારણે પાંજરમાં પુરાઇ રહી છે. પાર્ક દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી હોવા છતા સિંહ દર્શન ખુલ્લા મુકાતા નથી. મંત્રીનો સમય નહિ મળવાના કારણે જ સિંહની જોડીને 5 માસથી જેલવાસ ભોગવવો પડી રહ્યો છે.