
CBSE ધો.10-12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને પીએમ મોદીએ શુભકામના પાઠવી
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)નું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રી મોદીએ ‘એક્ઝામ વોરિયર્સ’ને ભવિષ્યમાં આવનારા દરેક અવસરમાં સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી છે. આ સાથે પરીક્ષામાં સારું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી વખતે તેમણે કહ્યું કે, પરીક્ષા ક્યારેય તમને વ્યાખ્યાયિત કરી શકતી નથી. તમારી તાકાત માર્કશીટથી પણ આગળ છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘એક્ઝામ વોરિયર્સ’ CBSE ધોરણ 12 અને 10 ની પરીક્ષા પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન. આ તમારા દૃઢ નિશ્ચય, શિસ્ત અને મહેનતનું પરિણામ છે. આજનો દિવસ માતા-પિતા, શિક્ષકો અને આ સિદ્ધિમાં યોગદાન આપનારા અન્ય તમામ લોકોની ભૂમિકાને સ્વીકારવાનો પણ છે. ‘એક્ઝામ વોરિયર્સ’ને ભવિષ્યમાં સફળતા મળે તેવી શુભેચ્છા. જ્યારે જે વિદ્યાર્થીઓના ઓછા માર્ક આવ્યા છે અથવા જે વિદ્યાર્થી નિરાશ તેને લઈને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ‘વિદ્યાર્થીઓએ ક્યારેક આત્મવિશ્વાસ ન ખોવો અને શીખવાની ધગસ બનાવી રાખવી. કારણ કે તમારી આગળ ઉજ્જવળ ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે.’
અન્ય એક પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે, ‘જે વિદ્યાર્થી તેના પરિણામથી થોડા નિરાશ છે, તેમને હું કહેવા માંગીશ કે, એક પરીક્ષા તમને ક્યારેય પરિભાષિત કરી શકતી નથી. તમારી યાત્રા હજુ લાંબી છે અને તમારી તાકાત માર્કશીટથી ઘણી આગળ છે. આત્મવિશ્વાસ બનાવી રાખો અને જિજ્ઞાસુ બન્યા રહો, કારણકે મહાન વસ્તુઓ તમારી રાહ જોઈ રહી છે.’
તમને જણાવી દઈએ કે, સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)નું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. CBSEએ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 12નું 89.39 ટકા પરિણામ નોંધાયું છે. જે ગત વર્ષના 87.9 ટકા પરિણામ કરતાં વધુ છે. જ્યારે ધોરણ 10નું 93.66 ટકા પરિણામ નોંધાયું છે. આ વર્ષે કુલ 17 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. ધોરણ 12 ના પરિણામો જાહેર કરતી વખતે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, આ વર્ષે કુલ 1704367 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 1692794 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 1496307 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.