1. Home
  2. ગુજરાતી
  3. પ્રધાનમંત્રી 6 જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે, વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ – ચેનાબ પુલનું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી 6 જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે, વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ – ચેનાબ પુલનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી 6 જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે, વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ – ચેનાબ પુલનું ઉદ્ઘાટન કરશે

0
Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. પ્રદેશમાં રેલ માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટીને વેગ આપવાની તેમની પ્રતિબદ્ધતા અનુસાર, પ્રધાનમંત્રી સવારે 11 વાગ્યે ચેનાબ પુલનું ઉદ્ઘાટન અને બ્રિજ ડેકની મુલાકાત લેશે. ત્યારબાદ, તેઓ અંજી પુલની મુલાકાત લેશે અને ઉદ્ઘાટન કરશે. તેઓ બપોરે 12 વાગ્યે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. ત્યારબાદ, તેઓ કટરા ખાતે રૂ. 46,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.

નદીથી 359 મીટરની ઊંચાઈ પર સ્થિત સ્થાપત્ય અજાયબી ચેનાબ રેલ પુલ, વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન પુલ છે. તે 1,315 મીટર લાંબો સ્ટીલ કમાન પુલ છે. જે ભૂકંપ અને પવનની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે રચાયેલ છે. આ પુલનો મુખ્ય પ્રભાવ જમ્મુ અને શ્રીનગર વચ્ચે જોડાણ વધારવામાં થશે. પુલ પર ચાલતી વંદે ભારત ટ્રેન દ્વારા, કટરા અને શ્રીનગર વચ્ચે મુસાફરી કરવામાં ફક્ત ૩ કલાકનો સમય લાગશે. જેનાથી હાલનો મુસાફરીના સમયમાં 2-3 કલાકનો ઘટાડો થશે.

પ્રધાનમંત્રી ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. 272 કિમી લાંબા USBRL પ્રોજેક્ટ, જે લગભગ રૂ. 43,780 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તેમાં 36 ટનલ (119 કિમી સુધી ફેલાયેલી) અને 943 પુલનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ કાશ્મીર ખીણ અને દેશના બાકીના ભાગો વચ્ચે સર્વાંગી, સીમલેસ રેલ કનેક્ટિવિટી સ્થાપિત કરશે. જેનો ઉદ્દેશ્ય પ્રાદેશિક ગતિશીલતામાં પરિવર્તન લાવવા અને સામાજિક-આર્થિક એકીકરણને આગળ ધપાવવાનો છે.

પ્રધાનમંત્રી શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી શ્રીનગર અને પાછી જતી બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે. તેઓ રહેવાસીઓ, પ્રવાસીઓ, યાત્રાળુઓ સહિત અન્ય લોકો માટે ઝડપી, આરામદાયક અને વિશ્વસનીય મુસાફરી વિકલ્પ પ્રદાન કરશે.

ખાસ કરીને સરહદી વિસ્તારોમાં છેલ્લા માઇલ કનેક્ટિવિટીને મોટું પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રી વિવિધ રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-701 પર રફિયાબાદથી કુપવાડા સુધીના રોડ પહોળા કરવાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને NH-444 પર 1,952 કરોડ રૂપિયાથી વધુના શોપિયા બાયપાસ રોડના નિર્માણનો શિલાન્યાસ કરશે. તેઓ શ્રીનગરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-1 પર સંગ્રામ જંકશન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-44 પર બેમિના જંકશન પર બે ફ્લાયઓવર પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સ ટ્રાફિક ભીડને હળવી કરશે અને મુસાફરો માટે ટ્રાફિક પ્રવાહમાં વધારો કરશે.

પ્રધાનમંત્રી કટરામાં 350 કરોડ રૂપિયાથી વધુના શ્રી માતા વૈષ્ણો દેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સનો પણ શિલાન્યાસ કરશે. આ રિયાસી જિલ્લામાં પ્રથમ મેડિકલ કોલેજ હશે. જે આ પ્રદેશમાં આરોગ્યસંભાળ માળખામાં નોંધપાત્ર યોગદાન આપશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code