
- રાજકોટમાં હેલ્મેટના ફરજિયાત અમલ સામે વધતો જતો વિરોધ,
- રાજકોટ ભાજપના ધારાસભ્યો ગૃહરાજ્ય મંત્રીને મળ્યા,
- હેલ્મેટ પહેરવા અંગે પોલીસ દ્વારા વાહનચાલકોમાં જાગૃતતા લાવશે
રાજકોટઃ દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ પહોરવો ફરજિયાત છે. ત્યારે આ કાયદાના અમસ માટે રાજકોટ શહેરમાં ગઈકાલથી પોલીસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.જેમાં એક જ દિવસમાં 4000થી વધુ વાહનચાલકો દંડાયા હતા. શહેરમાં હેલ્મેટના કાયદા સામે ભારે વિરોધ ઊભો થતા આજે પોલીસ ડ્રાઈવના બીજા દિવસે પોલીસે કૂણુ વલણ અપનાવ્યું હતું. અને હોલ્મેટનું પાલન કરનારા દ્વીચક્રી વાહનચાલકોને ગુલાબનું ફુલ આપીને સન્માન કરાયુ હતું. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મહિનાઓમાં યોજાવાની છે. ત્યારે શહેરીજનોનો રોષ ભાજપને પરવડે તેમ નથી, આથી ભાજપના ધારાસભ્યોએ આજે ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરી હતી.
રાજકોટ શહેરમાં સોમવારથી ફરજિયાત હેલ્મેટના કડક અમલને લઈને લોકોમાં ભારે ચર્ચા જાગી છે. નિયમનો અમલ થતાની સાથે જ દંડ અને પોલીસ કાર્યવાહીનો ભય જોવા મળ્યો હતો, પરંતુ આ ગંભીર માહોલ વચ્ચે આજે એક રમૂજી ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક આધેડ વ્યક્તિ સાયકલ ઉપર હેલ્મેટ પહેરીને નીકળ્યા હતા, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. જ્યારે બીજીતરફ જામટાવર ચોક સહિતના વિસ્તારોમાં હેલ્મેટ પહેરેલા વાહન ચાલકોને પોલીસ દ્વારા ગુલાબ આપી સન્માન કરાયું હતું.
રાજકોટ શહેરમાં પોલીસે શરૂ કરેલી ડ્રાઈવના આજે બીજા દિવસે પોલીસે અનોખો અભિગમ અપનાવ્યો હતો. જેમાં હેલ્મેટ પહેરી નીકળેલા વાહન ચાલકોને રોકી તેને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને હેલ્મેટ પહેરવા બદલ પ્રશંસા કરી નિયમિત હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી. જોકે કેટલાક વાહનચાલકોએ પોલીસ સમક્ષ એવી દલીલ કરી હતી કે, આ નિયમ શહેરી વિસ્તાર માટે જરા પણ યોગ્ય નથી. સરકારે રોડ-રસ્તા સારા કરવાની જરૂર છે. હેલ્મેટ પહેરવાથી અકસ્માત ઘટવાની કોઈ શક્યતા નથી. શહેરમાં હાલ હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવતા વાહનચાલકો પર 500 રૂ.નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. સોમવારે એક જ દિવસમાં પોલીસે 3 લાખ રૂ.થી વધુનો રોકડ દંડ વસૂલ્યો હતો અને અંદાજે 9 લાખથી વધુ રકમના મેમો ફટકારવામાં આવ્યા હતા. જેમાં કુલ 4,000થી વધુ લોકો દંડાયા હતા. પોલીસની કડક કાર્યવાહીના કારણે શહેરીજનોમાં દંડનો ભય વ્યાપ્યો છે.