
મુંબઈઃ નાગપુરમાં થયેલી હિંસા બાદ હાલ એકદમ શાંતિ છે. બીજી તરફ સરકાર દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા તોફાની તત્વો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 69 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં લઘુમતી ડેમોક્રેટિક પાર્ટીના નેતા ફહીમ ખાન અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના આઠ કાર્યકરોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે કહ્યું હતું કે, પોલીસકર્મીઓ પરના હુમલાઓને ગંભીરતાથી લેવામાં આવશે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે હિંસા ફેલાવનારાઓને સૌથી કડક સજા મળશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે થયેલી હિંસામાં 33 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમાં ત્રણ ડીસીપી સ્તરના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. હિંસા દરમિયાન, તોફાનીઓએ વાહનોને નુકસાન પહોંચાડ્યું, પેટ્રોલ બોમ્બ અને પથ્થરો ફેંક્યા, પોલીસ પર હુમલો કર્યો અને ઘરોમાં તોડફોડ કરી હતી. આ હિંસાનું મુખ્ય કારણ એ હોવાનું કહેવાય છે કે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકરોએ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણી સાથે પ્રદર્શન કર્યું હતું, જે દરમિયાન ‘ચાદર’ સળગાવવાની અફવા ફેલાઈ હતી, જેના કારણે હિંસા ફાટી નીકળી હતી. એફઆઈઆર મુજબ, હિંસા દરમિયાન કેટલાક તોફાનીઓએ એક મહિલા પોલીસ અધિકારી સાથે ગેરવર્તન કર્યું હતું અને તેમના કપડાં ફાડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા ફરી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.