
- આરોપીઓએ યુવાન પર હિંસક હુમલો કર્યો હતો
- ફરિયાદ થતાં જ પોલીસે 4 આરોપીને પકડી પાડ્યા
- ચારેય આરોપીઓ પરપ્રાંતના શ્રમિકો છે
સુરત: શહેરના દાદાગીરી કરતા માથાભારે તત્વો સામે શહેર પોલીસે લાલ આંખ કરી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં ધુળેટીના દિવસે કલર ઉડાવવા બાબતે થયેલા ઝગડામાં ચાર યુવકોએ સચિન ગૌતમ નામના યુવક પર હુમલો કર્યો હતો. આ અંગે પીડિતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ચારેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી હતી.
શહેરના પોંડેસરા વિસ્તારમાં ધુળેટીના દિવસે સચિન ગૌતમ નામના યુવક સાથે આરોપીઓ વચ્ચે કલર ઉડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. વાત વધતા આરોપીઓએ યુવાન પર હિંસક હુમલો કર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ઘટના બાદ યુવકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી અને તેમને ઝડપી લીધા હતા. પાંડેસરા પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કૈલાસનગર વિસ્તારમાં કર્યું હતું., પોલીસે ચારેય આરોપીઓને જાહેરમાં લાવી, લોકલ આથોરિટીના અધિકારીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં તેમને ઉઠક બેઠક કરાવી હતી. આ પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ પોતાનું કૃત્ય સ્વીકારી માફી માંગી હતી.
પોલીસે આ કેસમાં ચારે આરોપીઓની ઓળખ જાહેર કરી, જે પૈકી ત્રણ જણ ગોરખપુર, ઉત્તરપ્રદેશના અને એક બસ્તી, ઉત્તરપ્રદેશનો મૂળ નિવાસી છે. દિવાકર રામઉજાગીર યાદવ (ઉ,વ. 24) ડિલિવરી બોય, ચંદ્રકેશ ઉર્ફે અમિત સબરજીત સહાની ( ઉ.વ.24) જેપ્ટોમાં ડિલિવરી, આકાશ કુશહર ગુપ્તા (ઉ.વ.24) કલર કામ , અને રામજતન રામચંદ્ર યાદવ ( ઉ.વ.23 ) મજૂરી કામ કરનારની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને પાંડેસરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અસામાજિક તત્વો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વસ્તીમાં શાંતિ-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવામાં આવશે. પાંડેસરા પોલીસે જાહેરમાં આરોપીઓની ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન કરાવ્યું હતુ અને નાગરિકોને પણ સંદેશો આપ્યો કે, આવું કોઇ પણ અસામાજિક વર્તન સહન કરવામાં નહીં આવે.