નવી દિલ્હીઃ દિલ્હીની કેટલીક જિલ્લા અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. ધમકી મળ્યા બાદ સાકેત, દ્વારકા, પટિયાલા હાઉસ અને રોહિણી સ્થિત કોર્ટ સંકુલને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટની સુરક્ષાદળો તપાસ કરી રહી છે અને તપાસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન કેટલીક અદાલતોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતુ થઈ ગયું હતું. જો કે, પોલીસની તપાસમાં કંઈ વાંધાનજક નહીં મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
બોમ્બની ધમકીના પગલે તમામ ન્યાયિક કાર્યવાહી તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવી હતી. ન્યાયાધીશો, વકીલો, કર્મચારીઓ અને મુલાકાતી તમામને તરત જ ઇમારતોની બહાર નિકળી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બોમ્બ ડિસ્કલોઝર સ્કવોડ અને સુરક્ષા દળોએ આખા પરિસરની તપાસ કરી હતી. ખાસ કરીને પટિયાલા હાઉસ કોર્ટમાં વધારાની સુરક્ષા સાથે બોમ્બ સ્કવોડની ટીમે તપાસ કરાઈ હતી. આ ઉપરાંત બે સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળે છે.
સાકેત કોર્ટ બાર એસોસિએશનના માનદ સચિવ એડવોકેટ અનિલ બસોયા દ્વારા જારી કરવામાં આવેલી સૂચનામાં સભ્યોને જણાવવામાં આવ્યું હતું કે સુરક્ષા સંબંધિત સમસ્યાને કારણે આગામી બે કલાક માટે તમામ અદાલતોની કાર્યવાહી અસ્થાયી રીતે સ્થગિત રાખવામાં આવી છે. તેમણે તમામને શાંતિ જાળવવા, અધિકારીઓને સહકાર આપવા વિનંતી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે દિલ્હીની અદાલતોને આવી ધમકીઓ મળી છે. સપ્ટેમ્બર મહિનામાં દિલ્હી હાઈકોર્ટને પણ બોમ્બની ધમકી ભરેલું ઈમેઈલ મળ્યું હતું, જેના પગલે ન્યાયાધીશો અને અન્ય લોકોને તાત્કાલિક પરિસર ખાલી કરવું પડ્યું હતું. સતત મળતી આવી ધમકીઓ અદાલતોની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.


