
સિંધુ જળ સંધિને મુલતવી રાખવાથી જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, પંજાબનાં ખેડૂતોને લાભ થશે
નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી સામે આવતા ભારત સરકાર દ્વારા આતંકીઓના આકા પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવીને સિંધુ જળ સંધિ મુલત્વી રાખવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા આ મામલે પુનઃ વિચારણા માટે ભારતને વિનંતી કરવામાં આવી રહી છે. સરકારના આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના ખેડૂતોને લાભ થવાની આશા વ્યક્ત થઈ રહી છે.
કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘સિંધુ જળ સંધિને મુલતવી રાખવાથી જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને ઘણો લાભ થશે. તેમણે કહ્યું, પાકિસ્તાનને પાણી આપવું એ ભારતીય ખેડૂતો સાથે અન્યાય છે.ગઈ કાલે નવી દિલ્હીમાં દેશભરના ખેડૂતોના વિવિધ સમૂહ સાથેની વાતચીત દરમિયાન શ્રી સિંહે આ મુજબ જણાવ્યું હતું.કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં કૃષિ યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓ અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ-ICARના નિર્દેશકોની વાર્ષિક પરિષદનું ઉદ્ઘાટન કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં દેશની કૃષિ નવીનીકરણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે જરૂરી વ્યૂહાત્મક સુધારાઓ પર ચર્ચા થશે, જેમાં મુખ્ય નીતિ ઘડવૈયાઓ, વિચારશીલ નેતાઓ અને શૈક્ષણિક નિષ્ણાતો એક મંચ પર આવશે.