રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના બે દેશોની સત્તાવાર મુલાકાતના પ્રથમ તબક્કામાં અંગોલામાં પહોંચ્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના બે દેશોની સત્તાવાર મુલાકાતના પ્રથમ તબક્કામાં અંગોલામાં પહોંચ્યા છે. તેઓ ગઈકાલે રાત્રે ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગ્યે રાજધાની લુઆન્ડા પહોંચ્યા હતા. ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા અંગોલાની આ પહેલી મુલાકાત છે. બંને દેશો આ વર્ષે રાજદ્વારી સંબંધોની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. આ વર્ષે બંને દેશો વચ્ચે આ બીજી ઉચ્ચ-સ્તરીય બેઠક છે. મે મહિનાની શરૂઆતમાં, અંગોલાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા હતા.
રાષ્ટ્રપતિ મુર્મુ આજે લુઆન્ડાના રાષ્ટ્રપતિ ભવનમાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોન્જાલિવ્સ લોરેન્કો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મે મહિનામાં નવી દિલ્હીમાં યોજાયેલી અગાઉની ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો દરમિયાન બંને દેશો વચ્ચે ચર્ચા કરાયેલા મુદ્દાઓને આગળ ધપાવશે તેવી શક્યતા છે.
રાષ્ટ્રપતિ મુર્મુ અંગોલાના પચાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ અંગોલાની સંસદને પણ સંબોધિત કરશે અને અંગોલામાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે.
રાષ્ટ્રપતિ મુર્મુ તેમની મુલાકાતના બીજા તબક્કામાં અગિયારમી નવેમ્બરે બોત્સ્વાના જશે. તેઓ બોત્સ્વાના રાષ્ટ્રપતિ ડુમા બોકો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.


