
લખનૌઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પવિત્ર સંગમમાં સ્નાન કરી રહ્યાં છે. દરમિયાન આજે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી મહાકુંભ પહોંચ્યાં હતા. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાકુંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ સંગમમાં ડુબકી લગાવી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે હવાઈ માર્ગે પ્રયાગરાજ પહોંચ્યાં હતા. જ્યાં તેમનું રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી હોડી દ્વારા સંગમ પહોંચ્યાં હતા. તેમજ સંગમમાં સ્નાન કર્યું હતું. મહાકુંભ દરમિયાન, રાષ્ટ્રપતિ સંગમ તેમજ અક્ષયવત અને બડે હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડિજિટલ કુંભ અનુભવ કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.
મહાકુંભની અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો તથા ફિલ્મ જગતના જાણીતા કલાકારોએ મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી છે. આ ઉપરાંત દેશ-વિદેશના લોકો મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી રહ્યાં છે. અત્યાર સુધીમાં મહાકુંભમાં 42 કરોડથી વધારે લોકોએ ભાગ લીધો છે.