
- વરસાદને લીધે ફુલોની આવકમાં ઘટાડો થયા ભાવમાં વધારો,
- જમાલપુર ફુલ બજારમાં ગુલાબના હારની સૌથી વધુ માગ,
- દેશી ગુલાબના ભાવ પ્રતિકિલો 300થી 400એ પહોચ્યા
અમદાવાદઃ શહેરમાં શાકભાજીની જેમ ફુલોના ભાવમાં પણ વધારો થયો છે. નવરાત્રીના તહેવારોને લીધે ફુલેની માગ વધતા તેમજ વરસાદની અસરને કારણે ફૂલોની આવક ઓછી થતાં આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. માતાજીની પૂજા-અર્ચનામાં ફૂલોનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ આ વખતે ફૂલોના આસમાને પહેચ્યા છે. શહેરના જમાલપુર ફુલ બજારમાં ગુલાબના હારની સૌથી વધુ માગ જોવા મળી રહી છે. માતાજી માટે ગુલાબનો હાર લેવા માટે શ્રદ્ધાળુઓ વહેલી સવારે જમાલપુર ફુલ બજારમાં પહોંચી જતા હોય છે.
શહેરના જમાલપુર ફુલ બજારમાં ફૂલોના પ્રતિ કિલોના ભાવ જોઈએ તો દેશી ગુલાબ ₹300 થી ₹400 ના ભાવે વેચાય રહ્યા છે. જ્યારે ડિવાઇન ગુલાબનો પ્રતિકિલોનો ભાવ ₹200 થી ₹250 બોલાયો છે. તેમજ ગલગોટા (હજારી ગલ) ₹100 થી ₹200 પ્રતિ કિલોના ભાવે વેચાય રહ્યા છે. આ ઉપરાંત સેવંતીના ફૂલના ₹200 થી ₹250 પ્રતિ કિલો ભાવે વેચાય રહ્યા છે.
વેપારીઓના કહેવા મુજબ ફૂલોના ભાવમાં થયેલા આ વધારા પાછળ મુખ્યત્વે વરસાદની સિઝન ચાલુ હોવાથી વરસાદના કારણે ફૂલોના પાકને નુકસાન થયું છે, જેના પરિણામે બજારમાં ફૂલોની આવક ઘટી છે અને ગુણવત્તા પણ અસરગ્રસ્ત થઈ છે. નવરાત્રીના પર્વને લીધે ફુલોની માગમાં વધારો થયો છે. શ્રદ્ધાળુઓ માતાજી માટે ફૂલો અને હારની ખરીદી કરવા માટે ફૂલ બજારોમાં ઊમટી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરના જમાલપુરના મુખ્ય ફૂલ બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે ભક્તો માટે માતાજીની ભક્તિ સર્વોપરી છે.