1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

0
Social Share

ગાંધીનગર, 29 માર્ચ 2026:  PM Narendra Modi to inaugurate semiconductor OSAT plant  વડાપ્રધાન નરેન્દ્ર મોદી  તા. 31 માર્ચ 2026ના રોજ  સાણંદમાં કેન્સ (Kaynes) સેમિકોનની OSAT સુવિધાનો શુભારંભ કરાવશે. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 23 સપ્ટેમ્બર 2024માં મંજૂરી આપવામાં આવી હતી.  ₹3300 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી આ દાયકો ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે ખૂબ ઝડપથી કામગીરી થઇ રહી છે. માઇક્રોન પ્લાન્ટના શુભારંભ બાદ કેન્સ સેમિકોનની OSAT સુવિધા શરૂ થવાથી સ્થાનિક આર્થિક વિકાસને વધુ વેગ મળશે. OSAT એટલે કે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટમાં ચીપનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરીને તેને માર્કેટમાં પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. એક અંદાજ અનુસાર 31 માર્ચે શરૂ થનાર આ પ્લાન્ટમાં દિવસની 60 લાખ ચિપ્સ બનશે.

*સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતની હરણફાળ: જે કામમાં વર્ષો લાગે તે 900 દિવસમાં પૂર્ણ*

28 ફેબ્રુઆરી 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પ્રોજેક્ટની ગતિશીલતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “જૂન-2023માં આ સુવિધા માટે MoU થયા, સપ્ટેમ્બરમાં ખાતમુહૂર્ત થયું અને આજે ફેબ્રુઆરી-2026માં કોમર્શિયલ પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. વિશ્વના વિકસિત દેશોમાં પણ આવી મંજૂરીઓ અને પ્રક્રિયાઓમાં વર્ષો નીકળી જતા હોય છે, પરંતુ ભારતે આ અશક્ય કામ માત્ર 900 દિવસમાં પૂર્ણ કરીને બતાવ્યું છે. જ્યારે દાનત સાફ હોય અને નિષ્ઠા દેશના વિકાસ પ્રત્યે હોય, ત્યારે નીતિ સ્પષ્ટ બને છે અને નિર્ણયોમાં પણ ગતિ આપોઆપ આવી જતી હોય છે.”

*સાણંદ: ઓટો હબથી સેમિકન્ડક્ટર હબ સુધી*

ખૂબ જ ટૂંકા  સમયગાળામાં, સાણંદના ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. માઇક્રોન ટેકનોલોજી, કેન્સ સેમિકોન સાથે સીજી સેમિ દ્વારા પણ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. એક સમયે ઓટોમોબાઇલ હબ તરીકે જાણીતું સાણંદ હવે ભારતના પ્રથમ ચિપ પેકેજિંગ ક્લસ્ટર અને વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. તાઇવાનમાં સિંશું શહેર અને દક્ષિણ કોરિયાના ગ્યોંગી શહેરની જેમ ભારતમાં સેમિકન્ડક્ટર હબ તરીકે સાણંદનો વિકાસ થઇ રહ્યો છે.

*અમારું લક્ષ્ય માત્ર ફેક્ટરી સ્થાપિત કરવા સુધી મર્યાદિત નથી: વડાપ્રધાન *

વડાપ્રધાનએ સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે, _“અમારું લક્ષ્ય માત્ર એક ફેક્ટરી સ્થાપવા પૂરતું સીમિત નથી, પરંતુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનું છે. ભારત હવે સેમિકન્ડક્ટરની આખી વેલ્યૂ ચેઇન પર ફોકસ કરી રહ્યું છે, જેમાં ડિઝાઇન એન્જિનિયરથી લઈને મશીન નિર્માતા અને લોજિસ્ટિક્સ સુધીનાં તમામ સ્તરો સામેલ છે. ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0’ ની જાહેરાત આ જ દિશામાં લેવાયેલું મોટું પગલું છે. જેમ-જેમ ઉત્પાદન વધશે તેમ ભારતની અંદર જ મટિરિયલ અને કોમ્પોનન્ટ્સની માંગ વધશે, જે સ્થાનિક ઉદ્યોગો માટે સૌથી મોટી તક બની રહેશે.”_

ભારત હવે આ વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનનો ખૂબ જ મહત્વનો હિસ્સો બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, કોવિડના મુશ્કેલ સમયમાં વાવેલા બીજ આજે વટવૃક્ષ બનીને ફળ આપી રહ્યા છે અને અત્યાર સુધીમાં સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ 10 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી ચાર પ્રોજેક્ટ ગુજરાતમાં આકાર લઇ રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code