1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં પરપ્રાંતના શ્રમિકો પરત ન ફરતા ઉત્પાદનને અસર
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં પરપ્રાંતના શ્રમિકો પરત ન ફરતા ઉત્પાદનને અસર

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં પરપ્રાંતના શ્રમિકો પરત ન ફરતા ઉત્પાદનને અસર

0
Social Share
  • દિવાળી અને છઠ્ઠના પર્વમાં બિહાર ગયેલા શ્રમિકો હજુ પરત ફર્યા નથી,
  • શ્રમિકોને પરત બોલાવવા ટિકિટ ભાડા પણ મોકલાઈ રહ્યા છે,
  • ટેક્સટાઈલમાં 30%થી વધુ કામદારોની અછત,

સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગો અનેક લોકોને રોજગારી આપે છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં પરપ્રાંતના અનેક શ્રમિકો કામ કરી રહ્યા છે. દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોને લીધે બિહારના અનેક શ્રમિકો પોતાના માદરે વતન ગયા હતા. બિહારમાં ચૂંટણી પણ હતી. તેના લીધે શ્રમિકો હજુ પરત ફર્યા નથી. બીજીબાજુ લગ્નસરાની સીઝનને લીધે ટેક્સટાઈલ ઉદ્યોગને મોટા ઓર્ડર મળતા યુનિટો રાત-દિવસ ચલાવવા પડે તેવી નોબત આવી છે. ત્યારે પરપ્રાંતના વતન ગયેલા શ્રમિકો પરત ન ફરતા કાપડના ઉત્પાદન પર અસર પડી રહી છે.

સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ હાલ એક મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. દિવાળી પર્વ અને ત્યારબાદ બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના કારણે વતન ગયેલા બિહારના શ્રમિકોની મોટી અછત સર્જાઈ છે. ખાસ કરીને બિહાર ચૂંટણીના કારણે શ્રમિકોના પરત આવવામાં વિલંબ થઈ રહ્યો છે, જેને પગલે ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલોનું ઉત્પાદન ખોરવાઈ ગયું છે. લેબરની અછત એટલી હદે વધી છે કે મિલ માલિકોને હવે કામદારોને સુરત પરત લાવવા માટે સામેથી ટિકિટ ભાડું મોકલી આપવાની નોબત આવી છે.

દક્ષિણ ગુજરાત પ્રોસેસિંગ હાઉસ એસોસિયેશનના સૂત્રોના કહેવા મુજબ બિહારની ચૂંટણી અને છઠ પૂજા જેવા મોટા પર્વને કારણે મોટી સંખ્યામાં કારીગરો ઉધના સ્ટેશન પરથી એક્સ્ટ્રા ટ્રેનો દ્વારા વતન ગયા હતા. યુપીના શ્રમિકો ધીમે ધીમે પરત આવી રહ્યા છે, પરંતુ બિહારની ચૂંટણી 11 તારીખે પૂર્ણ થયા બાદ પણ, ઘણા કારીગરો હજુ પણ પરત ફરવા માટે તૈયાર નથી. હાલમાં ઓછામાં ઓછા 30%થી વધુ કામદારોની મિલોમાં અછત વર્તાઈ રહી છે. પરિણામે, જે પ્રિન્ટિંગ મશીન પર સામાન્ય રીતે આઠથી દસ માણસોની જરૂર હોય છે, ત્યાં અત્યારે માંડ ચારથી છ માણસોથી કામ ચાલી રહ્યું છે. વધેલા પગાર છતાં કામદારોનો થાક, લેબરની ગેરહાજરીને પહોંચી વળવા માટે મિલ માલિકોએ એક કામચલાઉ ઉકેલ અપનાવ્યો છે. જે કામદારો રોકાયેલા છે, તેઓ બીજા શ્રમિકોનું પણ કામ કરી લેવા તૈયાર થાય તો માલિકો તેમને વધારાનો એટલે કે ડબલ પગાર આપવા પણ સંમત થયા છે.

દિવાળી વેકેશન બાદ હાલમાં ફક્ત 60% જેટલી ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલો જ શરૂ થઈ શકી છે, અને તેમાં પણ કારીગરોના અભાવે ફક્ત 50% જેટલું જ કામકાજ ચાલી રહ્યું છે. આ સમસ્યાને વધુ ગંભીર બનાવનારું પરિબળ એ છે કે આગામી સમયમાં પોંગલ અને ઈદ માટે મિલોમાં પ્રોગ્રામની ઇન્ક્વાયરીઓ શરૂ થઈ ગઈ છે, જેના કારણે માલની ડિમાન્ડ વધવાની છે. આ સંજોગોમાં, મિલ માલિકો અને લેબર કોન્ટ્રાક્ટરો વચ્ચે કારીગરોને પરત લાવવા માટે ટિકિટ ભાડાના પૈસા આપવાનો વ્યવહાર શરૂ થયો છે. કોન્ટ્રાક્ટરો વતન ગયેલા શ્રમિકોનો સંપર્ક કરી રહ્યા છે, ત્યારે શ્રમિકો દ્વારા ભાડાની વ્યવસ્થા ન હોવાનું કારણ આપવામાં આવે છે. આથી, કોન્ટ્રાક્ટરો દ્વારા મિલ માલિકો પાસે ટિકિટ ભાડા સહિતની વ્યવસ્થા કરવા માટે રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી રહી છે, જેને મિલ માલિકો સ્વીકારીને પૈસા મોકલી રહ્યા છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code