- બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી વિના નિમણૂક અપાયાનો આક્ષેપ,
- ઈન્ચાર્જ રજિસ્ટ્રારના કહેવાથી નિમણુકો આપી હોવાની ચર્ચા,
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ ભરતીના મુદ્દે વિવાદ થયો હતો. કાયમી 10 પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરની એક વર્ષ પહેલાની વિવાદિત ભરતીમાં હવે કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડિયા અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર રમેશ પરમારે બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી વિના રાતોરાત નિમણૂક પત્રો આપી દેતા ફરીવાર વિવાદ ઊભો થયો છે. કહેવાય છે કે, એક રાજકીય નેતાના બહેનને 8 વર્ષનો પૂરો અનુભવ ન હોવા છતા સિલેક્શન થયા અંગે ભવન અધ્યક્ષ દ્વારા ભરતી સમિતિને લેખિત રજૂઆત કરી હતી. બાદમા વિવાદ થતા રાજ્ય સરકારે ભરતી અટકાવી દીધી હતી. જો કે, ઇન્ચાર્જ રજિસ્ટ્રારના કહેવાથી કુલપતિએ નિયમોને નેવે મૂકી નિમણૂક ઓર્ડર આપી દીધાની ચર્ચા થઈ રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1 વર્ષ પહેલા 10 પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરની ભરતી માટેના ઇન્ટરવ્યૂ ગોઠવ્યા હતા. વિવાદિત ભરતી પ્રક્રિયામાં મેથેમેટિક્સ, એજ્યુકેશન અને હિન્દી ભવનમાં લાગતા વળગતાનુ સિલેક્શન થયાના આક્ષેપો સાથે વિવાદ ઊભો થયો હતો. મોટાભાગની બેઠકો પર માત્ર એક-એક જ ઉમેદવાર બોલાવી તેને સિલેક્ટ કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. તે વખતે લખનૌની ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના હેડ હરિશંકર સિંઘે પણ ગંભીર આરોપ લગાવ્યો હતો કે, મેરિટ આધારે પસંદગી કરીશે, તેવું કહેતા તેમને ભરતી પ્રક્રિયામાં બોલાવવામાં જ ન આવ્યા. જે શંકા ઉપજાવી રહ્યું હતુ.
સૂત્રોના કહેવા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરો, આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી હોય કે કરાર આધારિત અધ્યાપકોની ભરતી હોય દરેક ભરતીમાં વિવાદો થતા આવ્યા છે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 9 ભવનોમાં 10 પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરોની ભરતી કરવાનું નક્કી કર્યું. જો કે, ત્રણ ભવનની ભરતી પ્રક્રિયા ટેક્નિકલ કારણોસર અટકાવી દેવામાં આવી. જ્યારે મેથેમેટિક્સ, એજ્યુકેશન અને હિન્દી ભવનમાં ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા. મેથેમેટિક્સ, એજ્યુકેશન અને હિન્દી ભવનના ઇન્ટરવ્યૂમાં સ્કૃટીની કરી માત્ર એક-એક જ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. તેથી વિવાદ થયો હતો.