1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં પણ ‘હું નાથુરામ ગોડસે નાટક’નો વિરોધ, દીવાલો પર સૂત્રો લખાયા
અમદાવાદમાં પણ ‘હું નાથુરામ ગોડસે નાટક’નો વિરોધ, દીવાલો પર સૂત્રો લખાયા

અમદાવાદમાં પણ ‘હું નાથુરામ ગોડસે નાટક’નો વિરોધ, દીવાલો પર સૂત્રો લખાયા

0
Social Share

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના નાટકને લઈને ગુજરાતમાં વિરોધ ઊભો થયો છે. પ્રથમ રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ ‘હું નથુરામ ગોડસે’ નાટકને લઈને વિવાદ વકર્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિના મહિનામાં જ આ નાટકનું આયોજન થતાં કોંગ્રેસ પક્ષની પાંખ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ મેદાને આવી છે. અમદાવાદના બોડકદેવ અને સિંધુભવન રોડ જેવા વિસ્તારોમાં આ નાટક સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટક સામે એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરીને નાટક જ્યા ભજવવાનું હતું ત્યાં તોડફોડ કરી હતી. ત્યારબાદ જામનગરમાં પણ ભારે વિરોધ કરાયો હતો. અને આજે અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આ નાટક ભજવવાનું આયોજન છે. તે પહેલા જ એનએસયુઆઈના કાર્યકરોએ ઓડિટોરિયમની આસપાસની જાહેર દીવાલો પર ‘ગોડસે મુર્દાબાદ’ અને ‘ગાંધીજી અમર રહો’ જેવા સૂત્રો લખી પોતાનો રોષ ઠાલવ્યો હતો. કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે ગાંધીની ભૂમિ પર ગોડસેના મહિમામંડન સમાન નાટક ચલાવી લેવામાં આવશે નહીં. વિરોધ દરમિયાન નથુરામ ગોડસેના ફોટા પર કાળી શાહી લગાવીને પ્રતીકાત્મક વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો.

હાલમાં આ નાટકની ટિકિટો ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાઈ રહી છે, પરંતુ NSUI દ્વારા આ પ્રદર્શનને રોકવાની પ્રબળ માંગ કરવામાં આવી રહી છે. અગાઉ સૌરાષ્ટ્રના શહેરોમાં થયેલા વિરોધ પ્રદર્શનની જેમ જ અમદાવાદમાં પણ નાટક દરમિયાન હંગામો થવાની પૂરી શક્યતા છે. યુથ કોંગ્રેસ અને NSUIના આક્રમક વલણને જોતા કાર્યક્રમ સ્થળે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવે તેવી પણ શક્યતા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code