
સુરત મ્યુનિ.કોર્પોરેશને ફુટપાથ પર વાહનો માટે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપી દેતા વિરોધ
- ફુટપાથ પર વાહનો પાર્ક થતાં રાહદારીઓને રોડ પર ચાલવાની ફરજ પડશે
- મ્યુનિ.એ લાખો રૂપિયાના ખર્ચે ફુટપાથ બનાવ્યા હતા
- નો પાર્કિંગ ઝોનમાં પણ કોન્ટ્રાકટરો વાહનો પાર્ક કરાવીને રૂપિયા વસુલે છે
સુરતઃ શહેરમાં વાહનોની સંખ્યામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. રોડ પર વધતા જતા ટ્રાફિકને કારણે રોડ ક્રોસ કરવો પણ રાહદારીઓ માટે મુશ્કેલ બની રહ્યો છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રાહદારીઓ માટે ફુટપાથ બનાવવામાં આવી છે. હવે આ ફુટપાથ પર વાહનો પાર્ક કરવા માટે મ્યુનિએ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાકટ આપી દેતા રાહદારી મુશ્કેલીમાં મુકાયા છે.
સુરત મ્યુનિ.કોર્પોરેશનની ગંભીર બેદરકારીને કારણે મ્યુનિના કેટલાક કોન્ટ્રાક્ટર બેફામ બન્યા છે. શહેરના ઉધના દરવાજા પાસે આવેલા એક મોલ બહાર ફુટપાથ પર મ્યુનિના પે એન્ડ પાર્કના બોર્ડ લાગ્યા છે અને પાર્કિંગની રસીદ આપીને લોકો પાસે ફુટપાથ પર વાહન પાર્ક કરાવી પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. મ્યુનિએ લોકોના ચાલવા માટે લાખો રૂપિયાના ખર્ચે ફૂટપાથ બનાવ્યા હતા. હવે તેના પર પાર્કિંગ કરાવવામાં આવી રહ્યું છે. અને તેના રૂપિયા પણ વસુલવામાં આવી રહ્યા છે. ફુટપાથ પર વાહનો પાર્ક માટેનો કોન્ટ્રાકટ આપી દેવાતા રાહદારીઓ રોડ પર ચાલવાની ફરજ પડી રહી છે. તેથી અકસ્માતોનું જોખમ પણ વધ્યું છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટો વાહન પાર્કની રસિદ પણ આપતા નથી. આ મામલે જો ખરેખર યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા નકારી શકાય નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ટ્રાફિકથી ધમધમતા ઉધના દરવાજા વિસ્તારમાં મ્યુનિએ આવકના સ્ત્રોત ઉભા કરવા માટે ઓન સ્ટ્રીટ પાર્કિંગ જાહેર કર્યું છે. જોકે, પાલિકાએ કોન્ટ્રાકટ આપ્યો છે, તે સિવાયની જગ્યાએ પણ વાહનો પાર્ક કરાવી ગેરકાયદે પૈસા ઉઘરાવતા હોવાની ફરિયાદ થઈ રહી છે. ઉધના દરવાજા પાસપોર્ટ ઓફિસ સામે મોલ આવ્યો છે તેની બહાર બનેલા ફુટપાથ પર મ્યુનિનું પે એન્ડ પાર્ક નું બોર્ડ લાગ્યું છે. આ ઉપરાંત દિવાલ પર પણ અનેક જગ્યાએ પે એન્ડ પાર્કના બોર્ડ લાગ્યા છે. લોકોને અકસ્માતથી બચાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે ફૂટપાથ બનાવી છે તેના પર જ મ્યુનિનું પે એન્ડ પાર્ક નું બોર્ડ આશ્ચર્ય સર્જે છે. આ ફૂટપાથ પર પર કોન્ટ્રાક્ટરના માણસો વાહન પાર્ક કરાવે છે અને રસીદ પણ આપતા નથી. રાહદારીઓને ચાલવા માટે ફુટપાથ છે તેના પર પે એન્ડ પાર્કના બોર્ડ કઈ રીતે લાગી શકે ? જો આ પે એન્ડ પાર્ક ન હોય તો મ્યુનિ. બોર્ડ કાઢતી કેમ નથી અને પૈસા વસુલ કરનારા સામે પગલાં કેમ ભરતી નથી ? મ્યુનિની કામગીરી સામે આવા અનેક પ્રશ્નો ઉભા થયા છે.