1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બિમાર શિક્ષકો અને મેટર્નિટી લીવ પર હોય એવી શિક્ષિકાઓને ચૂંટણી કામગીરી સોંપાતા વિરોધ
બિમાર શિક્ષકો અને મેટર્નિટી લીવ પર હોય એવી શિક્ષિકાઓને ચૂંટણી કામગીરી સોંપાતા વિરોધ

બિમાર શિક્ષકો અને મેટર્નિટી લીવ પર હોય એવી શિક્ષિકાઓને ચૂંટણી કામગીરી સોંપાતા વિરોધ

0
Social Share

ભૂજ, 10 એપ્રિલ 2026: Protest against election work  રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શિક્ષકો તેમજ વહિવટી કર્મચારીઓને કામગીરીના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. જેમાં બિમાર હોય એવા શિક્ષકો તેમજ મેટર્નિટી લીવ પર હોય એવી શિક્ષિકાઓ તેમજ ટેટના ઉમેદવારોને પણ ચૂંટણીમાં ફરજ બજાવવાના ઓર્ડર મળ્યા છે. જેની સામે પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ કર્યો છે. ચૂંટણીની કામગીરીના હૂકમોને લઈને શિક્ષકોમાં જોવા મળતી મુંઝવણો અંગે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ મહત્વની રજૂઆત કરવામાં આવી છે.

ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, રાજ્ય સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા અને કોષાધ્યક્ષ કાંતિભાઈ સુથારની આગેવાનીમાં પ્રતિનિધિમંડળે ભુજ પ્રાંત અધિકારી એ.બી. જાદવને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. શિક્ષક સંઘે ખાસ કરીને એવી મહિલા કર્મચારીઓ કે જેઓ હાલ પ્રસૂતિ રજા પર છે અથવા જેઓ ધાત્રી માતાઓ છે, તેમના ચૂંટણીલક્ષી હૂકમો માનવીય અભિગમ દાખવી રદ્દ કરવા માંગ કરી છે. આ ઉપરાંત, ગંભીર બીમારીથી પીડાતા અને શારીરિક રીતે અશક્ત શિક્ષકોને પણ આ કપરી ફરજમાંથી મુક્તિ આપવાની માગણી કરી છે.

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆતમાં જણાવાયુ છે કે અનેક શિક્ષકોને 12 એપ્રિલના રોજ ટેટ (TET-HS) ની પરીક્ષા આપવા માટે જિલ્લા બહાર જવાનું છે. આ સંજોગોમાં જો તે જ દિવસે ચૂંટણીલક્ષી તાલીમ ગોઠવવામાં આવે તો શિક્ષકોને અન્યાય થઈ શકે તેમ છે, જેથી તાલીમની તારીખોમાં યોગ્ય ફેરફાર કરવો જોઈએ. તેમજ બી.એલ.ઓ. (BLO) તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પ્રિસાઇડિંગ અધિકારીને બદલે પ્રથમ મતદાન અધિકારી તરીકે નિયુક્ત કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે.

આ અંગે પ્રાંત અધિકારી અનીલ જાદવે સંઘના હોદ્દેદારોની રજૂઆત સાંભળીને આ તમામ પ્રશ્નો પર હકારાત્મક વલણ અપનાવી યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ રજૂઆતમાં સવાઈસિંહ સોઢા, રાણાજી જાડેજા, અનિલ રૂપારેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. તંત્રની ખાતરી બાદ શિક્ષક સંઘે આભાર વ્યક્ત કર્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code