
- પીએસઆઈએ સગીરના વાળ ખેંચીને માર મારતો વિડિયો વાયરલ
- પીએસઆઈની તાત્કાલિક બદલી કરી દેવાઈ
- કિશોરને પોલીસે સમજાવીને મોકલી દેવો જોઈતો હતો
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા હોવાથી પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી રોડ શો કરવાના છે, તે રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યુ હતું, દરમિયાન વડાપ્રધાનના કોન્વોય રૂટમાં એક સગીર સાયકલ લઈને ઘૂંસી જતાં પીએસઆઈએ સગીરને વાળ ખેંચીને મારમારતા તેનો વિડિયો વાયરલ થયો હતો. આ આમલે પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં પીએસઆઈની તાત્કાલિક કન્ટ્રોલરૂમમાં બદલી કરી દેવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગઈકાલે સુરત પોલીસ દ્વારા PMના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસના આ રિહર્સલ સમયે એક 17 વર્ષીય સગીર સાઇકલ લઈને કોન્વોય રૂટમાં પ્રવેશ કરતા પોલીસ અધિકારી દ્વારા તેને વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા વાઇરલ થતા જવાબદાર પીએસઆઇ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સગીર વયનો કિશોર ત્રણ મહિના પહેલા નેપાળથી સુરતમાં આવ્યો હતો. કિશોરની માતાનું ટીબી (ક્ષયરોગ)ના કારણે નિધન થયું હતું. પિતાએ બીજા લગ્ન કરી લીધા હતાં. કિશોર ભણેલો નથી અને શહેરની કોઈ જાણકારી ન હોવાથી તે અજાણતા પોલીસે ગોઠવેલા સુરક્ષા રૂટ પર પહોંચી ગયો હતો.
આ મામલે ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં એક રીલ વાઇરલ થયેલી છે, જેની હકીકત એવી છે કે, બંદોબસ્ત રિહર્સલ દરમિયાન કોન્વોયની મૂવમેન્ટ રોડ ઉપર થઈ રહી હતી. ત્યારે એક બાળક રૂટ ઉપર આવી જતા અને અકસ્માત થવાની સંભાવના હોવાથી પોલીસે આવવાની ના પાડેલી. વાઇરલ વીડિયોમાં દેખાતા પીએસઆઇ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે. તેમનું નામ બી. એ. ગઢવી છે અને સુરત શહેર ખાતે બંદોબસ્ત માટે આવેલા હતા. જેમણે કરેલું વર્તન બિલકુલ અયોગ્ય છે અને તે બાબતે ખેદ વ્યક્ત કરવામાં આવે છે. પીએસઆઇ બી. એ. ગઢવીને તાત્કાલિક અસરથી કંટ્રોલરૂમ ખાતે ખસેડ્યા બાદ સુરત શહેર પોલીસ દ્વારા રિપોર્ટ કરી પરત પોતાના જિલ્લા ખાતે મોકલી આપ્યા છે. હવે આગળની કાર્યવાહી પોલીસ અધિક્ષક મોરબી દ્વારા PSI ગઢવી વિરુદ્ધમાં સખ્ત પગલા લેવામાં આવશે.