
રેલવે સ્ટેશનમાં ગંદકી કરનારાઓ સામે શરૂ કરાઈ દંડાત્મક કાર્યવાહી, 3 મહિનામાં 32 લાખનો દંડ વસુલાયો
નવી દિલ્હીઃ દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે અને સ્વચ્છતા મામલે વિવિધ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે રેલવે વિભાગ પણ સ્વચ્છતાને લઈને વધુ આકરુ બન્યું છે. તેમજ રેલવે સ્ટેશન અને ટ્રેનમાં ગંદકી ફેલાવનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન 3 મહિનામાં રેલવે સ્ટેશનોમાં ગંદકી કરનારા 31 હજારથી વધારે વ્યક્તિઓને ઝડપી લઈને તેમની પાસેથી 32 લાખથી વધારે દંડ વસુલવામાં આવ્યો છે.
જાહેર માર્ગો, બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો સહિતના સ્થળો પર ગમે ત્યાં થૂંકનારાઓ અને ગંદકી ફેલાવનારાઓ ક્યારેય પોતાની હકકતોથી બાજ આવતા નથી. ભારતીય રેલવે અને સરકારો દ્વારા અનેક પ્રયાસો કરવા છતાં આવા લોકો સુધરવાનું નામ લેતા નથી અને રેલવે સ્ટેશન પર ગંદકી ફેલાવતા રહે છે, ત્યારે રેલવે તંત્રએ હવે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની શરુ કરી દીધી છે. પૂર્વ રેલવેએ જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી રેલવે સ્ટેશનો પર ગંદકી ફેલાવનારા 31,576 વ્યક્તિઓને પકડી પાડ્યા છે અને તેઓ પાસેથી 32,31,740 રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
જો કોઈ વ્યક્તિ રેલવે સ્ટેશન પર થૂંકે અથવા ગંદકી ફેલાવે તો તેને ભારતીય રેલ્વે અધિનિયમ 1989ની કલમ 140 હેઠળ રૂપિયા 500નો દંડ ફટાકરવામાં આવી શકે છે. કેટલાક કિસ્સાઓમાં સજાપાત્ર ગુનો પણ દાખલ કરવામાં આવી શકે છે. એટલે કે આવા લોકોને સજા પણ થઈ શકે છે. આમ તો સામાન્ય રીતે દંડ જ ફટકારવામાં આવે છે. રેલવે સ્ટેશનના પરિસર, પ્લેટફોર્મ, ફૂટ ઓવરબ્રિજ અને ટ્રેનની અંદર થૂંકવાથી અને કચરો ફેંકવાથી માત્ર સ્વચ્છતા જ નહીં, મુસાફરોને પણ ભારે હાલાકી ભોગવતા હોય છે, જેને ધ્યાને રાખી રેલવે આવા લોકો સામે સમયાંતરે કાર્યવાહી કરતી રહે છે.