1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પુરાણોમાં બધા જ રોગોનો ઉપચાર છે, ટેક્નોલૉજીની મદદથી તેને ઉજાગર કરવાનો સમય : CM
પુરાણોમાં બધા જ રોગોનો ઉપચાર છે,  ટેક્નોલૉજીની મદદથી તેને ઉજાગર કરવાનો સમય : CM

પુરાણોમાં બધા જ રોગોનો ઉપચાર છે, ટેક્નોલૉજીની મદદથી તેને ઉજાગર કરવાનો સમય : CM

0
Social Share
  • અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-2025 કોન્ફરન્સનો પ્રારંભ
  • વડાપ્રધાનના નેતૃત્વમાં મેડિકલ ટૂરિઝમ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે
  • CMના હસ્તે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સર્જિકલ રોબોટનું લોકાર્પણ

 અમદાવાદઃ શહેરની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-2025નો શુભારંભ કરાવ્યો હતો તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું હતું. આ તકે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના ‘વિરાસત ભી, વિકાસ ભી’ મંત્રને યાદ કરતાં કહ્યું કે આજે આપણને ટેક્નોલૉજીની દૃષ્ટિએ જે નવીન લાગે છે એવી અનેક વિરાસત આપણી પાસે, આપણાં પુરાણોમાં પડેલી છે. આ માટે તેમણે ગણેશજીનું ઉદાહરણ આપતાં કહ્યું કે પુરાણોમાં દર્શાવેલી આ ઘટના પણ ટ્રાન્સપ્લાન્ટેશનનું જ ઉદાહરણ છે. આપણે આ વિરાસત સાચવવાની છે તેમ મુખ્યમંત્રીએ દૃઢપણે જણાવ્યું હતું.

પટેલે કહ્યું કે આપણાં પુરાણોમાં તમામ રોગોના ઉપાયો દર્શાવ્યા છે જ, આજે તેને નવી ટેક્નોલૉજીની મદદથી ઉજાગર કરવાનો સમય છે. આજે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં અને ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું કે લોકો ભારતમાં આવે અને અહીંથી કંઈક શીખીને જાય એવો વારસો આપણે જાળવી રાખવાનો છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે ડૉ. એચ.એલ. ત્રિવેદીના પ્રદાનને બિરદાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે નાની ઉંમરે માણસને અંગદાનથી નવજીવન મળે તેનો આનંદ એ વ્યક્તિ કે તેનો પરિવાર જ વર્ણવી શકે. માનવજીવનને બચાવવા માટે જરૂરી તમામ સહાય કરવા માટે સરકાર હંમેશાં નાગરિકોની પડખે જ છે તેવું તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.

ટેકનોલૉજીના વધતાં વ્યાપ અને પ્રભુત્વ વચ્ચે તેના ઉપયોગથી અંગ પ્રત્યારોપણ માટે નવાં કેન્દ્રો શરૂ કરવા સૂચન પણ કર્યું હતું. લોકોને તેમની નજીકના કેન્દ્રથી જ યોગ્ય અને ઝડપી સારવાર મળી રહે તે માટે આવાં કેન્દ્રો ઉપયુક્ત બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

આ તકે ઉપસ્થિત આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલે અસારવા સિવિલ હોસ્પિટલના તજ્જ્ઞ તબીબોને નવરત્નો સાથે સરખાવીને કહ્યું કે 21મી સદીમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતમાં અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં આરોગ્ય, કૃષિ, ઔદ્યોગિક સહિતનાં તમામ ક્ષેત્રે 360 ડિગ્રી બદલાવ આવ્યો છે. આજે આપણે દુનિયામાં ટેકનોલોજી એક્સપોર્ટ કરતાં થયા છીએ અને દુનિયાના વિકસિત રાષ્ટ્રોની હરોળમાં બેસવા સક્ષમ બન્યા છીએ.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિમોટ કંટ્રોલના માધ્યમથી પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ તેમજ સોવેનિયરનું વિમોચન કર્યું હતું. તદુપરાંત, ડૉ. રાકેશ જોશીને ઋષિ દધીચિ સન્માનથી તેમજ ડૉ. ડીટર બ્રોરિંગને મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ પુરસ્કારથી મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ધારાસભ્ય સુશ્રી દર્શનાબેન વાઘેલા, આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રી ધનંજય દ્વિવેદી, ભારત સરકારના આરોગ્ય સેવાઓના નિયામકશ્રી ડૉ. અતુલ ગોયલ, નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનના ડાયરેક્ટરશ્રી ડૉ. અનીલ કુમાર, ડૉ. પ્રાંજલ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code