
દિલ્હીમાં આપની હાર બાદ સચિવાયલ સીલ કરાયું, લેફ્ટનન્ટ ગવર્નરના નિર્દેશો પર આદેશ જાહેર કરાયો
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીનો કારમો પરાજય થયો છે. દરમિયાન દિલ્હી વિધાનસભાના પરિસરની બહાર કોઈ મહત્વાના દસ્તાવેજ, ફાઈલ સહિતની વસ્તુઓ નહીં જવા માટે નિર્દેશ કરાયો છે.
દિલ્હીમાં ભાજપ 27 વર્ષ પછી અહીં સત્તામાં પરત ફરવા જઈ રહી છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલથી લઈને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુધી, બધા જ ચૂંટણી હારી ગયા છે. દિલ્હીમાં બહુમતીનો આંકડો 36 છે. જેને ભાજપ સરળતાથી પાર કરી રહી હોય તેવું લાગે છે. દિલ્હીમાં સત્તા પરિવર્તનના લહેરને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) એ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના નિર્દેશો પર એક આદેશ જારી કર્યો છે.
સચિવાલયના દસ્તાવેજોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા, તેમાં કહેવામાં આવ્યું છે કે વિભાગની પરવાનગી વિના દિલ્હી સચિવાલય પરિસરની બહાર કોઈપણ ફાઇલ, દસ્તાવેજ, કમ્પ્યુટર હાર્ડવેર વગેરે લઈ જઈ શકાશે નહીં. ઉપરાંત, મંત્રી પરિષદના તમામ વિભાગો, એજન્સીઓ અને કેમ્પ ઓફિસોને વિભાગની પરવાનગી વિના કોઈપણ રેકોર્ડ અથવા ફાઇલો દૂર ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.