- હોટલ પર પાર્ક થતાં પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી ચોરી કરવામાં આવતી હતી,
- મશીન ફીટ કરેલા મીની ટેમ્પોમાં પેટ્રોલ-ડીઝલ ભરી ઓછા ભાવે વેચી નાખતા હતા.
- પોલીસે 4.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક હોટલો પર પેટ્રોલ અને ડીઝલ ભરેલા પાર્ક થતાં ટેન્કરોમાં પેટ્રોલ અને ડીઝલની ચોરી કરીને મીની ટેમ્પામાં આસપાસના વિસ્તારોમાં ફરીને ઓછા ભાવે તેની વેચાણ કરવામાં આવતુ હતુ. આથી જિલ્લા પોલીસ અધિક્ષક પેમસુખ ડેલુ (IPS)ની સૂચના અને માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં હાઈવે પર આવેલી હોટલોમાં વાહનોમાંથી ગેરકાયદેસર ડીઝલ-પેટ્રોલ ચોરી કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે SOG શાખા સક્રિય હતી. આ અંતર્ગત SOG ટીમે ચોટીલા હાઈવે પર ગેરકાયદેસર રીતે પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરતા એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. SOGએ મીની ટેમ્પામાં હરતો-ફરતો પેટ્રોલ પંપ ઝડપી લીધો છે. આરોપીઓએ પેટ્રોલ પંપમાં આવતા ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરી લેતા હતા. જે બાદ મશીન ફીટ કરેલા મીની ટેમ્પોમાં પેટ્રોલ-ડીઝલ ભરી અલગ-અલગ સ્થળે ઓછા ભાવે વેચી નાખતા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાનો SOG સ્ટાફ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સામતસિંહ ગોહિલને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, ચોટીલા હાઈવે પર આવેલી શિવલહેરી હોટલના ગ્રાઉન્ડમાં નવી બનતી હોટલ પાસે ખેરડી, તા. ચોટીલાના લાલાભાઈ મંગળુભાઈ કાઠી દરબાર ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરતા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર નજર રાખવા માટે પપ્પુભાઈ નામના ચોકીદારને પણ રાખવામાં આવ્યો હતો. આરોપીઓ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ટેન્કરોમાંથી ઇલેક્ટ્રિક મોટર અને નળી વડે પેટ્રોલ-ડીઝલ કાઢી, ડ્રાઈવરો પાસેથી ઓછા ભાવે ખરીદતા હતા. ત્યારબાદ, આ પેટ્રોલ-ડીઝલ પોતાના કબજા ભોગવટાના વાહનમાં ફ્યુલ પંપ ફીટ કરીને વેચાણ કરી ગેરરીતિ આચરતા હતા. બાતમીના આધારે હોટલના કમ્પાઉન્ડમાં તપાસ કરતા, ફ્યુલ પંપ ફીટ કરેલી ટાટા 407 (GJ-03-Z-6161) મળી આવી હતી, જેની કિંમત રૂ. 3,00,000/- હતી અને તેમાં 100 લીટર ડીઝલ (કિંમત રૂ. 9,000/-) હતું. આ ઉપરાંત, મહિન્દ્રા કંપનીની યુટિલિટી (GJ-12-AY-0915) કિંમત રૂ. 1,50,000/- તથા ગેરકાયદેસર ડીઝલનો જથ્થો 60 લીટર (કિંમત રૂ. 5,400/-) અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 4,66,450/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.


