 
                                    કચ્છમાં તહેવારો પૂર્ણ ભેળસેળીયુક્ત ધી બનાવતા કારખાના ઉપર દરોડા, 1.4 કરોડની વસ્તુઓ જપ્ત કરાઈ
રાજકોટઃ રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂા.૧.૪ કરોડનો માલ જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વિવિધ સ્થળ પર ઘીની રેડ કરવામાં આવી રહી છે. જેમાં વધુ તપાસ થતા ભેળસેળિયા તત્વો દ્વારા મોટા ભાગે ઘીમાં ખાસ પ્રકારનું રિફાઇન્ડ પામ તેલ(RPO)ને મુખ્ય ઘટક તરીકે વાપરતાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેનું ટેક્સ્ચર તદ્દન ઘીને મળતું આવતું આવે છે. આથી તે શંકાસ્પદ જણાઈ આવતા તેના ઉત્પાદન અંગેની માહિતી એકત્ર કરી અધિકારીઓ દ્વારા આવું ભેળસેળ કરનારા અને તેમની દરેક કડીઓની તપાસ કરતા તેનો છેડો ગાંધીધામ, કચ્છ ખાતેથી મળ્યો હતો. જેમાં શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂા. ૧.૪ કરોડનો માલ જપ્ત કરાયો છે તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું.
ડૉ.કોશિયાએ વધુમાં કહ્યું હતું કે, મે. ભારત ફૂડ્સ કો-ઓપરેટીવ લિ., ગાંધીધામ, જિ. કચ્છ ખાતેથી ચાર નમૂના અને મે. ક્રિષ્ના ટ્રેડિંગ કો., ધ્રોલ, જામનગર ખાતેથી ચાર નમુના એમ કૂલ આઠ નમુના તંત્રના દરોડામાં લઇ ચકાસણીમાં અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બાકીનો આશરે ૬૯ ટનથી વધુનો જથ્થો કે જેની કિંમત આશરે રૂ. ૧.૪ કરોડ જેટલી થાય છે તે જાહેર જનતાના આરોગ્યની સલામતી માટે જપ્ત કરી ઘી માં ભેળસેળ થતી અટકાવવામાં આવી છે. ગુજરાત રાજ્યનાં નાગરિકોને શુદ્ધ અને સલામત આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે. રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
તેમણે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુખ્ય મથકની ફૂડ ટીમને આવા ભેળસેળિયા તત્વોને શોધવામાં સફળતા મળી હતી. જેના પગલે ગાંધીધામ ખાતે આવેલ ભારત ફૂડ્સ કો-ઓપરેટીવ લિ. માં (FSSAI License No: 10013021000623) રેડ કરતા ૨ રિફાઇન્ડ પામ તેલ(RPO), ૧ સવેરા બ્રાન્ડ રિફાઇન્ડ પામ તેલ (RPO) અને ૧ વનસ્પતિના એમ કુલ ૪ (ચાર) નમૂનાઓ વેપારી શ્રી અખિલેશકુમર ક્રિશ્નપલ સિંઘની હાજરીમાં લેવામાં આવ્યા હતા. જેમાં તપાસ દરમિયાન તમામ શંકાસ્પદ ૬૭ ટન રિફાઇન્ડ પામ તેલ (RPO) જેની અંદાજે કિંમત રૂ. ૧.૩૨ કરોડથી વધુ થવા જાય છે તેનો તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ મામલે આગળની તપાસ ચાલુ છે.
તેમણે કહ્યું હતું કે, પેઢીમાં રિફાઇન્ડ પામ તેલ (RPO) સવેરા બ્રાન્ડથી ૧૫ કિગ્રાના પેકીંગમાં ઉત્પાદન કરી વેચાણ થતુ હતું અને લુઝમાં ટેન્કર મારફતે માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું. આથી સ્થળ પર તેઓને લુઝમાં ટેન્કરથી વેચાણ ન કરવા જાહેર આરોગ્યના હિતમાં નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા તા: ૧૨/૦૯/૨૦૨૫ના રોજ ઘીનું ઉત્પાદન કરતી મે. ક્રિષ્ના ટ્રેડિંગ કો., ધ્રોલ, જામનગર (FSSAI License No: 10723010000072) ખાતે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ પરથી ઘીમાં સોયાબીન અને વનસ્પતિનું ભેળસેળ કરતા ઇસમોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જેના આધારે આ એકમ પરથી વેપારી શ્રી ભરત ખિમસુરિયાની હાજરીમાં ઘીના બે, વનસ્પતિના એક અને સોયાબીન તેલના એક એમ કુલ ચાર નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે બાકીનો બે ટન જેટલો ખાદ્ય પદાર્થ કે જેની અંદાજીત કિંમત રૂ. ૫.૮ લાખ જેટલી થવા જાય છે તે જથ્થો જાહેર જનતાના આરોગ્યના હિતમાં સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો છે. વધુમાં તંત્ર દ્વારા મે. ક્રિષ્ના ટ્રેડિંગ કો.નું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે તેમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું હતું કે, આ તમામ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

