
- હોસ્પિટલમાં ગર્ભ પરિક્ષણ થતું હોવાનું કહીને 55 લાખની માગણી કરી,
- મહિલા સંચાલકનું કારમાં અપહરણ કરાયું,
- SOGના નામે તોડ કરવા આવેલો મુખ્ય આરોપી આરોગ્ય કર્મચારી મહાસંઘનો પ્રમુખ નિકળ્યો
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં નકલી પોલીસ. નકલી ઈન્કમ ટેક્સ અધિકારી, નકલી પીએમઓ કે સીએમઓના અધિકારીઓ પકડાયા છે. ત્યારે ચોટિલાની એક હોસ્પિટલમાં તોડ કરવા પોલિસના સ્વાંગમાં આવેલા બે શખસોને અસલી પોલીસે ઝડપી લીધા હતા. ચોટીલાની ચેષ્ઠા હોસ્પિટલમાં ગાંધીનગર SOG (સ્પેશિયલ ઓપરેશન ગૃપ)ના નામે બે શખ્સોએ રેડ પાડીને સ્ટાફ અને સંચાલકને હોસ્પિટલમાં ગર્ભ પરિક્ષણ થતું હોવાનું જણાવીને ધમકાવ્યા હતા. આટલુ જ નહીં એક પ્રેગ્નેટ મહિલાને બોલાવીને વીડિયો પણ બનાવ્યો હતો અને મામલો થાળે પાડવા 55 લાખની માંગણી કરી હતી. જોકે, સંચાલકે વ્યવસ્થા ન હોવાનું જણાવતા મહિલા સંચાલકનું અપહરણ કરીને નીકળ્યા હતા, પરંતુ વચ્ચે ચોટીલા પોલીસ ભટકાઇ જતા નકલી પોલીસનો ભાંડો ફુટ્યો હતો. પકડાયેલા બન્ને શખસોમાંથી એક શખસ આરોગ્ય વિભાગનો જ કર્મચારી છે. એટલું નહીં આરોગ્ય કર્મચારી મહાસંઘનો પ્રમુખ હોવાનું પણ કહેવાય છે.
આ બનાવની વિગતો એવી છે કે, ચોટીલાની ચેષ્ઠા હોસ્પિટલ ખાતે ગઈકાલે મંગળવારે રણજિતસિંહ મોરી અને પ્રદીપસિંહ પરમાર નામના બે શખસો આવ્યા હતા અને પોતાની ઓળખ ગાંધીનગર SOGના અધિકારીઓ તરીકે આપી હતી. જે બાદ સ્ટાફ સાથે રકઝક થતાં હોસ્પિટલના મહિલા સંચાલક દોડી આવ્યા હતા. આ દરમિયાન એક પ્રેગ્નેટ મહિલા અને અન્ય એક શખ્સ આવ્યો હતો. જે પ્રેગ્નેટ મહિલાએ પોતાનું ગર્ભ પરિક્ષણ અહીંયા કરાવ્યું હોવાનું જણાવી મહિલા સંચાલક સાથે વીડિયો બનાવ્યો હતો. આ બાદ રણજીતસિંહ મોરીએ મામલો થાળે પાડવાના પ્રથમ 55 લાખ માંગ્યા હતા અને બાદમાં 40 લાખ સુધી આવ્યો હતો. પરંતુ હોસ્પિટલના મહિલા સંચાલકે આટલા રુપિયા ન હોવાનું જણાવતા આ શખ્સોએ મહિલા સંચાલકનું અપહરણ કર્યું હતું અને એક હોટેલમાં લઇ ગયા હતા. જ્યાં મહિલા સંચાલકે તેના પાર્ટનરને રુપિયાની વ્યવસ્થા કરવા ફોન કર્યો હતો. બાદ ત્યાંથી નીકળીને અન્ય સ્થળે જતા હતા આ દરમિયાન વચ્ચે ચોટીલા પોલીસ ભટકાઇ ગઇ હતી. જેમણે મહિલાને આ શખસોની ચુંગાલમાંથી છોડાવી હતી. હાલ પોલીસે મહિલાની ફરિયાદના આધારે આ બંને શખ્સોની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય વીડિયો બનાવનાર પ્રેગ્નેટ મહિલા અને તેની સાથે આવેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ ઘટનામાં મુખ્ય આરોપી રણજીતસિંહ મોરી રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘનો પ્રમુખ છે અને ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગમાં એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. હોસ્પિટલના મહિલા સંચાલકના કહેવા મુજબ ચોટીલા-અમદાવાદ હાઇવે રોડ ઉપર આયા બોર્ડથી આગળ દ્વારકાધીશ હોટલ પર રણજીતસિંહે નાસ્તો કર્યો હતો અને મને પૈસાની વ્યવસ્થા કરવા કહ્યું હતું, જેથી મેં મારા પાર્ટનર મુન્નાભાઇને ફોન કર્યો હતો. ત્યારબાદ આ લોકો મને ત્યાંથી ફરીથી પોતાની ગાડીમાં લઇને નીકળ્યા હતા અને મને ફરીથી ફોન કરવા રહ્યું હતું. જોકે, મારા પાર્ટનરે પોલીસને સમગ્ર હકિકત જણાવી દીધી હતી. આ બાદ દ્વારકાધીશ હોટલ અને ચોટીલા બાજુના પુલ પાસે ચોટીલા પોલીસ ઊભી હતી, જેમણે આ કાર રોકાવીને પુછપરછ કરતા મેં તમામ હકિકત જણાવી હતી. જેથી ચોટીલા પોલીસ અમને પોલીસ સ્ટેશન લઇને આવી હતી. મેં અહીં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે ચોટીલા પી.આઈ. આર.એમ.સંઘાડાએ જણાવ્યું હતું કે, આરોપીઓ હોસ્પિટલમાં ઘૂસીને પોતાના મોબાઈલનો કેમરો ચાલુ રાખી વીડિયો શૂટિંગ કરીને SOGએ રેડ પાડી હોય તેવો માહોલ ઊભો કર્યો હતો. આરોપીઓના મોબાઈલમાં ચેષ્ટા હોસ્પિટલના શૂટિંગનો વીડિયો મળી આવ્યા છે. જેમાં તે કહી રહ્યો છે કે, તેની સાથેનો વ્યક્તિ SOGનો કર્મચારી છે અને તમારી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ થાય છે હાલ પોલીસે આ વીડિયોને પુરાવા તરીકે લઈ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.