- અંબાજીના મહામેળામાં 7 દિવસમાં 36 લાખથી વધુ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા,
- રવિવારે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી,
- ગ્રહણને લીધે સાંજે 5થી દર્શન બંધ કરાયા
અંબાજીઃ માતા શક્તિના હૃદય સ્થાન સમાં યાત્રાધામ અંબાજી ખાતે સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળાનો આજે રવિવારે અંતિમ દિવસ હતો. ભાદરવી પૂનમના મહામેળાના 7 દિવસમાં 36 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો. આજે ચંદ્રગ્રહણને કારણે મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરાયો હતો. આજે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી. ગ્રહણને લીધે સવારે 10થી 12 વાગ્યા સુધી મંદિર બંધ રહ્યું હતુ. બપોરે 12થી 12:30 દરમિયાન માતાજીની શયન આરતી થઈ હતી, અને 12:30થી સાંજે 5 વાગ્યા સુધી જાળીમાંથી દર્શનની પરવાનગી આપવામાં આવી હતી. ગ્રહણના કારણે બપોરે 12:30 પછી મંદિરના શિખરે ધજા પણ ચઢાવવામાં આવી ન હતી. અને સાંજે 5 વાગ્યા પછી મંદિર દર્શન માટે બંધ કરવામાં આવ્યુ હતુ.

યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો, જે બપોર બાદ ધોધમાર વરસાદમાં ફેરવાયો હતો. અંબાજીમાં ભાદરવી પૂનમનો મહા મેળોમાં આજે અંતિમ દિવસે મેઘરાજાએ ભાવિકોને ભીંજવ્યા હતા. વરસતા વરસાદમાં શ્રદ્ધાના અખૂટ સાગરમાં ભક્તોનો પ્રવાહ જોવા મળી હતો. વરસાદી માહોલમાં ઘૂટણસમા પાણીમાં પણ ભાવિકો દર્શન માટે પહોચ્યા હતા.
અંબાજી મંદિર તરફ જતા રોડ પર ઘૂંટસમા પાણી ભરાયા હતા. હંગામી ધોરણે લગાવવામાં આવેલા સ્ટોલોમાં પણ પાણી ઘૂસતા વેપારીઓને નુકસાન સહન કરવું પડ્યું. મહા મેળામાં દર્શનાર્થે આવેલા યાત્રાળુઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભક્તો વરસાદી પાણીમાં ભીંજાઈને અને કાદવમાંથી પસાર થઈને માતાજીના દર્શન માટે પહોંચતા જોવા મળ્યા હતા
.


