અમદાવાદ, 1 એપ્રિલ 2026: Rain with strong winds forecast for three days ગુજરાતમાં ભર ઉનાળે ફરીવાર વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે કાલે ગુરૂવારથી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે. આ સાથે જ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં જમીનથી 1.5 કિલોમીટરની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતમાં વાતાવરણના પલટા સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે.
ઉનાળાના પ્રારંભથી વાતાવરણમાં સમયાંતરે પલટા આવી રહ્યા છે. ત્યારે કાલે ગુરૂવારથી શનિવાર સુધી ત્રણ દિવસ વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, કાલથી તા. 2, 3 અને 4 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા છે. હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે. આ સાથે જ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં જમીનથી 1.5 કિલોમીટરની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તેના લીધે વાતાવરણમાં મોટો પલટો આવશે
હવામાનના જાણકારોના કહેવા મુજબ આગામી દિવસોમાં માત્ર વરસાદ જ નહીં, પરંતુ થંડરસ્ટોર્મ એક્ટિવિટી (વીજળીના કડાકા-ભડાકા) પણ જોવા મળશે. કમોસમી વરસાદ દરમિયાન પવન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. 2 એપ્રિલ, 3 એપ્રિલ અને 4 એપ્રિલના રોજ વરસાદની પ્રબળ શક્યતા છે. કમોસમી વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકના આંકડા મુજબ અમરેલીમાં મહત્તમ તાપમાન 38.5°C નોંધાયું છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં લઘુત્તમ તાપમાન 19°C નોંધાયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 38°Cની આસપાસ રહેવાની શક્યતા છે. આગામી બે દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ વાતાવરણમાં પલટો આવતા મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે પરંતુ ભેજનું પ્રમાણ વધશે.


