
રાજસ્થાનઃ અજમેર દરગાહ મામલે દાવો કરનાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ વિષ્ણુ ગુપ્તા ઉપર ગોળીબાર
અજમેરઃ અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરનારા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પર ગોળીબારનો મામલો સામે આવ્યો છે. આજે અજમેરથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે વિષ્ણુ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગગવાના લાડપુરા પુલ પાસે બે અજાણ્યા શખ્સોએ હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પર ગોળીબાર કર્યો હતો. જોકે, આ હુમલામાં તેમને ગોળી વાગી ન હતી અને તેઓ માંડ માંડ બચી ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ પોતે પોલીસ તેમજ મીડિયાને ફોન કરીને ઘટનાની માહિતી આપી હતી. ગુપ્તા પર ગોળીબારની માહિતી મળ્યા બાદ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. તે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. વિષ્ણુ ગુપ્તા શુક્રવારે કોર્ટમાં દરગાહ કેસની સુનાવણી સંદર્ભે અજમેર આવ્યા હતા અને અહીં એક હોટલમાં રોકાયા હતા. ત્યારબાદ, શનિવારે સવારે તેઓ પોતાની કારમાં દિલ્હી જવા રવાના થયા. તેમની સાથે બીજી એક વ્યક્તિ પણ હતી. ગુપ્તાએ જણાવ્યું કે, તે અજમેરથી લગભગ 12 કિમી દૂર ગેગલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે બે અજાણ્યા બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ગોળીબાર શરૂ થતાં જ તેમણે પોતાની કારની ગતિ વધારી દીધી હતી. ત્યારબાદ હુમલાખોરો પણ સ્થળ પરથી ભાગી ગયા હતા.