રાજકોટ, 08 માર્ચ 2026: RMC takes action to recover taxes શહેરના મ્યુનિ.કોર્પોરેશન (RMC) દ્વારા નાગરિકો પાસેથી બાકી વેરા વસુલાતની ઝૂબેશ ચલાવાયા બાદ હવે સરકારી મિલકતોના બાકી વેરાની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરી છે. આરએમસી દ્વારા સરકારી વિભાગોને નોટિસ આપી વેરો ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી હતી, જેના પરિણામે શહેરની સિવિલ હોસ્પિટલ, પીડબલ્યુડી, પીજીવીસીએલ જેવી મહત્ત્વની કચેરીઓ પાસેથી રૂ.3.63 કરોડનો બાકી વેરોની વસુલાત કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગ સુધીમાં આ આંકડો 10 કરોડને પાર થવાની શક્યતા છે. આરએમસીની આ કામગીરીને પગલે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 1 એપ્રીલ, 2025થી 7 માર્ચ, 2026 સુધીમાં કુલ વસૂલાતનો આંકડો રૂ. 389 કરોડ પર પહોંચી ગયો છે. જોકે ચાલુ નાણાકીય વર્ષનાં અંત સુધીમાં રૂ. 450 કરોડની વસુલાત કરવાનો લક્ષ્યાંક છે, જે પૂરો કરવા મથામણ ચાલી રહી છે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન વેરા વસુલાત વિભાગ દ્વારા હાલમાં શહેરભરમાં નોન-રેસિડેન્શિયલ, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મિલકતો પાસેથી વેરો મેળવવા માટે સઘન ઝૂંબેશ ચાલી રહી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે સરકારી વિભાગો હસ્તકની મિલકતોના મિલકત વેરા અને પાણી ચાર્જિસની બાકી વિગતો મેળવીને વસૂલાત પ્રક્રિયા ઝડપી કરવામાં આવી હતી. ફેબ્રુઆરી માસમાં જ વિવિધ સરકારી વિભાગો દ્વારા કુલ રૂ. 2.49 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. જેમાં પી.ડબલ્યુ.ડી દ્વારા રૂ. 65.47 લાખ, ગર્વનમેન્ટ ઓફ એન્જિનિયરિંગ કોલેજ દ્વારા રૂ. 58.61 લાખ અને PGVCL દ્વારા રૂ. 45.37 લાખની રકમ આરએમસીની તિજોરીમાં જમા કરાવાઈ હતી. આ ઉપરાંત, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રૂ. 30.95 લાખ, જૂની કોર્ટ દ્વારા રૂ. 17.36 લાખ, નાયબ નિયામક કચેરી દ્વારા રૂ. 14.18 લાખ, યાંત્રિક ભવન દ્વારા રૂ. 11.00 લાખ અને મામલતદાર કચેરી (દક્ષિણ) દ્વારા રૂ. 6.43 લાખની ચુકવણી કરવામાં આવી હતી. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ રૂ. 27.82 હજારનો વેરો ભરવામાં આવ્યો છે. આમ, ફેબ્રુઆરી માસમાં સરકારી કચેરીઓ સામેની કડક કાર્યવાહીને લઈ આરએમસીને રૂ. 2. 49 કરોડની આવક થઈ હતી.
ચાલુ માર્ચ માસમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે. માર્ચના શરૂઆતના દિવસોમાં જ સિવિલ હોસ્પિટલ દ્વારા રૂ. 74.65 લાખની મોટી રકમની ચુકવણી કરવામાં આવી છે. તે સાથે સેન્ટ્રલ GST કચેરી દ્વારા રૂ. 17.65 લાખ, પોસ્ટ વિભાગ દ્વારા રૂ. 17.22 લાખ અને GMSCL દ્વારા રૂ. 4.85 લાખની રકમ ચૂકવવામાં આવી છે. આમ, ચાલુ માસમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 1.14 કરોડની વસૂલાત માત્ર સરકારી મિલકતોમાંથી થઈ છે.


