
- આજે બુધવારે સવારે 7 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં પડ્યો વરસાદ,
- જો કે આજે દિવસ દરમિયાન 11 તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો
- આકાશમાં વદાળો ગોરંભાયા, ઉકળાટ પણ વધ્યો
અમદાવાદઃ રાજ્યમાં થોડા વિરામ બાદ ફરી મેધરાજાનું આગમન થયું છે. આજે બુધવારે બપોર સુધીમાં 11 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. જેમાં નડિયાદમાં એક ઈંચ, બાકીના 10 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. જ્યારે આજે સવારે 7 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 97 તાલુકામાં વરસાદ પડ્યો હતો.. જેમાં સૌથી વધુ ડાંગમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગ ઉપરાંત નવસારી, સુરત, ભરૂચ અને અમરેલીમાં પણ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં હજી પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની ઘટ વરતાઈ રહી છે ત્યારે મેઘરાજા મનમૂકીને વરસે અને ઘટ પુરાઈ તેવી લોકો અને ધરતીપુત્રો પ્રાર્થના કરી રહ્યા છે. રાજ્યમાં સિઝનનો એવરેજ 73.75 ટકા વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં આજે તા.21મીથી ઓગસ્ટના અંત સુધીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે આજે દિવસ દરમિયાન છૂટા-છવાયા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. આજે બુધવારે બપોર સુધીમાં 11 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં નડિયાદમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરત શહેર, ચાટિલા, મહેમદાવાદ, જસદણ, ખાંભા, જંબુસર, ગરબડા, આમોદ અને ઓલપાડ સહિત 10 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. જ્યારે આજે સવારે 7 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 97 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં સાંજના સમયે ધોધમાર વરસાદ વરસતા લુવારા અને ગોરડકા પાસેની ફૂલઝર નદીમાં ઘોડાપૂર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત ગીરગઢડાના નાના સમઢિયાળા ગામેથી પસાર થતી માલણ નદીમાં પુર આવતાં નદીના બંને કાંઠે પાણી વહેતાં થયાં હતાં.લોકો પાણી જોવા ઉમટી પડ્યા હતા. જોકે ભારે વરસાદના કારણે લોકોમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. જોકે ઉના ગીરગઢડા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા અને થોડીક વાર ઠંડો પવન ફુંકાયો હતો. પરંતુ વરસાદ વરસ્યો નથી. મહીસાગરના લુણાવાડામાં અડધો કલાક માટે વરસેલા ધોધમાર વરસાદના કારણે અનેક નીંચાણવાળા વિસ્તારોમાંથી ઘુટણસમા પાણી વહેવા લાગ્યા હતા. શહેરના માંડવી બજાર, હુસેની ચોક, પીપળી બજાર, હાટડીયા બજાર સહિતના જે નીંચાણવાળા વિસ્તારો છે. તેમાં ધોધમાર વરસાદ વરસે તો પાણી વહેવા લાગતા હોય છે. ત્યારે આજે અડધો કલાક માટે વરસેલા ધોધમાર વરસાદે નીંચાણવાળા વિસ્તારો પાણી પાણી કરી દીધા હતા. ત્યાંથી ઘૂટણસમા પાણી વહેવા લાગ્યા હતા.
આ ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લામાં એક અઠવાડિયા બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને છોટા ઉદેપુર, પાવી જેતપુર અને બોડેલીમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો.સાંજના લગભગ સાડા પાંચ વાગ્યાના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે જોતજોતામાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં ઊભા પાકને જીવતદાન મળ્યું હોવાનું ખેડૂતો માની રહ્યા છે.
બોટાદ શહેર અને જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. બોટાદ શહેરનાં પાળીયાદ રોડ, જ્યોતિગ્રામ સર્કલ, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લાં કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો હતો. જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા. ત્યારે લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ધરતીપુત્રો અને શહેરીજનોમા આનંદ જોવા મળ્યો છે.
#GujaratWeather | #RainfallUpdate | #Monsoon2024 | #GujaratRain | #WeatherReport | #AhmedabadWeather | #PatanWeather | #SuratRain | #NadiadRain | #WeatherAlert | #GujaratMonsoon | #RainfallData | #WeatherForecast | #GujaratNews | #RainySeason