વાહનચાલકોને રાહત : દેશભરમાં ટોલ ટેક્સમાં ઘટાડાની શક્યતા
નવી દિલ્હીઃ દેશભરમાં વાહનચાલકોને ટોલ ટેક્સમાં છૂટ મળવાની સંભાવના છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ પોતાના ક્ષેત્રીય અધિકારીઓને નવા ટોલ દરો પ્રસ્તાવિત કરવાની સૂચના આપી છે. આ માટે હવે સુધીના 2004-05ના ફુગાવાના દરના બદલે 2011-12ના ફુગાવાના દરને આધાર બનાવવામાં આવશે. 29 સપ્ટેમ્બરે એનએચએઆઈના ચંદીગઢ ક્ષેત્રિય કચેરી દ્વારા જાહેર કરાયેલા પત્ર મુજબ, પ્રોજેક્ટ ડિરેક્ટરને નવા ટોલ દરો રજૂ કરવા માટે જણાવ્યું છે. એનએચએઆઈ આવતા અઠવાડિયાથી આ દરો અમલમાં લાવવા તૈયારીમાં છે.
માહિતી મુજબ, 2004-05ના આધારે લિંકિંગ ફેક્ટર 1.641 હતો, જ્યારે 2011-12ના આધારે તે 1.561 છે. આ બદલાવને કારણે ટોલ દરોમાં ઘટાડો થવાનો છે. નાના વાહનો માટે ટોલમાં આશરે 5 થી 10 રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા છે. 1 એપ્રિલ 2025થી ટોલ દરોમાં સરેરાશ 5 ટકા વધારો કરવામાં આવ્યો હતો. હવે નવા દરો લાગુ થતા આ વધારો પાછો ખેંચાઈ શકે છે, એટલે કે ટોલ રેટ પાછલા વર્ષની જેમ જ રહેવાની શક્યતા છે. હાલ દેશમાં એનએચએઆઈ હેઠળ 55 ટોલ પ્લાઝા કાર્યરત છે, જ્યાંથી દરરોજ આશરે રૂ. 9 કરોડની આવક થાય છે. માત્ર હિસાર કચેરી હેઠળના 10 ટોલમાંથી જ રોજે રૂ. 1.68 કરોડની વસૂલાત થઈ રહી છે. આમ વાહનચાલકો માટે આ નિર્ણય મોંઘવારી વચ્ચે મોટી રાહતરૂપ સાબિત થઈ શકે છે.


