
- હીરણ-2 ડેમના 5 દરવાજા 10 મીટર ખોલયા,
- સરસ્વતી નદીના કિનારે આવેલું ભગવાન માધવરાયનું મંદિર જળમગ્ન બન્યું,
- ગીરના જંગલોમાં થયેલા અતિ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા
વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લા અને ઉપરવાસ ગીરના જંગલ વિસ્તારમાં બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે ગીર જંગલમાં આવેલો હિરણ-2 ડેમ છલોછલ ભરાતા ડેમના 5 દરવાજા 0.10 મીટર ખોલવામાં આવ્યા છે. દરમિયાન ભારે વરસાદની આગાહીના કારણે તંત્ર એલર્ટ પર છે. જિલ્લાના સૂત્રાપાડામાં ધોધમાર 8.5 ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. આજે સોમવારે સવારે 7 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન પાટણ-વેરાવળમાં 6, કોડીનારમાં 4.25, ઉનામાં 4.17, ગીરગઢડામાં 3 ઈંચ તથા દ્વારકાનાં કલ્યાણપુરમાં 4, ખંભાળીયામાં 3.5 ઈંચ વરસાદ પડ્યો હતો.
હિરણ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા તેની સીધી અસર વેરાવળની દેવકા નદી પર જોવા મળી છે. નદીમાં પાણીનું સ્તર અચાનક વધી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જો ગીરના જંગલ વિસ્તારમાં વરસાદનું જોર યથાવત રહેશે તો ડેમમાંથી વધુ પાણી છોડવાની ફરજ પડી શકે છે. આ સંજોગોમાં, વેરાવળ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા નદી કિનારાના અને શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સાવચેતીના તમામ પગલાં લેવા માટે અપીલ કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં અને ઉપરવાસ ગીરના જંગલોમાં થયેલા અતિ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. સૂત્રાપાડા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીના કિનારે આવેલું ભગવાન માધવરાયનું ઐતિહાસિક મંદિર ફરી એકવાર સંપૂર્ણપણે જળમગ્ન થયું છે. સૂત્રાપાડા તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ પડતા સરસ્વતી નદીમાં ભારે પૂર આવ્યું છે, જેના પાણી સીધા મંદિર પરિસર અને ગર્ભગૃહમાં ફરી વળ્યા છે. સરસ્વતી નદીના તટ પર આવેલું હોવાથી માધવરાય મંદિર દર વર્ષે ચોમાસામાં નદીના પૂરમાં ડૂબે છે. આ ઘટનાને શ્રદ્ધાળુઓ સરસ્વતી નદી દ્વારા થતો ભગવાનનો કુદરતી જળાભિષેક માને છે. જોકે, આ વર્ષે વિશેષ ઘટના એ બની છે કે ચોમાસાની ઋતુમાં સતત બીજી વખત નદીમાં પૂર આવવાને કારણે ભગવાન માધવરાયની મૂર્તિઓ જળમગ્ન થઈ છે. હાલ મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે અને માત્ર મંદિરના શિખર અને ધ્વજદંડનો ભાગ જ દેખાઈ રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.