- ACP ડેન્ટલ કેર ક્લિનિકને ગેરકાયદે બાંધકામ બદલ નોટિસ આપી,
- ગઈ તા. 27મી સપ્ટેમ્બરે સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે ઉદઘાટન કરાયું હતું,
- ભાજપના નેતાએ કહ્યુ, બાંધકામ મંજુરી લઈને અમારી જમીનમાં જ કરાયેલું છે
રાજકોટઃ શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલા એસીપી ડેન્ટલ કેર હોસ્પિટલના ગેરકાયદે બાંધકામના મુદ્દે મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગે નોટિસ ફટકારી છે.એસીપી ડેન્ટલ કેરની હોસ્પિટલની માલિકી ભાજપના મંત્રી વિજય પાડલિયાની હોવાનું કહેવાય છે. અને આ ડેન્ટલ ક્લિનિકનું ઉદ્ધાટન ગત 29 સપ્ટેમ્બરે જ સાંસદ પરષોતમ રૂપાલાના હસ્તે થયું હતું, જોકે આખું બાંધકામ બાદ અને ઉદ્ધાટન થયાના બે મહિના માટે સફાળા જાગેલા મ્યુનિ. તંત્રએ ગેરકાયદે બાંધકામ અંગે ભાજપ મંત્રી વિજય પાડલિયાને નોટિસ પાઠવતા હાલ રાજકીય માહોલ ગરમાયો છે.
રાજકોટ શહેર ભાજપ મંત્રીએ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા જલારામ-2માં બેંકની બાજુમાં 27 સપ્ટેમ્બરના રોજ શરૂ કરેલી એસીપી ડેન્ટલ કેર હોસ્પિટલનું બાંધકામ પ્લાન વિરુદ્ધનું હોવાનું જણાવી મ્યુનિ.કોર્પોરેશના ટાઉન પ્લાનિંગ વિભાગે જીપીએમસી એક્ટની કલમ 260(1) મુજબ નોટિસ ફટકારી સાત દિવસમાં વધારાનું બાંધકામ દૂર કરવા અને ખુલાસો કરવા આદેશ કરવામાં આવ્યો છે. અન્યથા 260(2) મુજબ ડિમોલિશન કરી નાખવામાં આવશે. એવુ જણાવવામાં આવ્યુ છે.
રાજકોટ શહેર ભાજપ મંત્રી વિજય માધવજી પાડલિયાએ ગત તા.27 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલા જલારામ-2માં એસીપી ડેન્ટલ કેરના ઉદઘાટનનો કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા ઉપરાંત રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા અને મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ હોસ્પિટલ ડો.ચાર્મી પાડલિયા છજલાની અને ડો.આશિષ છજલાની જૈન તેમજ ડો.ધૈર્ય પાડલિયા સંચાલિત હોવાનું પણ આમંત્રણ પત્રિકામાં જણાવવામાં આવ્યું હતું. જ્યારે શુભેચ્છક તરીકે શહેર ભાજપ મંત્રી વિજય પાડલિયાએ પોતાનું નામ લખ્યું હતું. લગભગ દોઢ મહિના સુધી આ હોસ્પિટલ ધમધમી હતી. દરમિયાન 11 નવેમ્બરને મંગળવારે વેસ્ટ ઝોનના એટીપીઓએ વિજય પાડલિયાને નામજોગ નોટિસ ફટકારી આદેશ કર્યો હતો કે, પ્લાન વિરુદ્ધનું જે વધારાનું બાંધકામ છે તે સાત દિવસમાં દૂર કરીને મ્યુનિને જાણ કરવી. જો આમ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં 260(2) મુજબની અંતિમ નોટિસ અપાયા બાદ જે વધારાનું બાંધકામ કરવામાં આવ્યું છે તે તોડી પડાશે. જોકે સમગ્ર મામલે સંગઠન મંત્રી વિજય પાડલિયાએ ગેરકાયદે બાંધકામ અંગે પાઠવવામાં આવેલ નોટિસ સંદર્ભે જણાવ્યું હતું કે, જમીન અમારી માલિકીની છે, અને બાંધકામ પણ પ્લાન મુજબ મંજૂરી સાથે જ કરેલું છે અને જગ્યા ઉપર વધારાનું FSI પણ મનપાના નિયમ મુજબ પૈસા ભરીને લીધેલું છે. તેમણે આ આખાય મામલાને રાજકીય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ રાજકીય દ્વેષભાવના કારણે હેરાનગતિ કરવામાં આવી રહી છે.


